ભરૂચ : કોરોનાની બીજી લહેર આવી છતાં લારી ધારકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા

Update: 2020-11-20 10:46 GMT

અમદાવાદ, સુરત સહિતના મહાનગરોમાં કોરોનાની બીજી લહેર વચ્ચે ભરૂચ જીલ્લામાં પણ નોંધપાત્ર પોઝિટિવ કેસો વધી રહ્યા છે. જોકે તેમ છતાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળે છે. શહેરના સેવાશ્રમ રોડ પર ભરાતા શાકભાજી માર્કેટમાં લારી ધારકો માસ્ક વિના નજરે પડે છે તો ગ્રાહકોની ભીડમાં સામાજિક અંતર પણ જાળવતું નથી.

સુરત, અમદાવાદ, રાજકોટ જેવા મોટા શહેરો સહિત જિલ્લાઓમાં તહેવારોની સિઝનમાં કોરોનાની સંખ્યામાં સતત વધારો થયો છે. જેના પગલે અમદાવાદ શહેરમાં રાત્રિ કરફર્યું પણ જાહેર કરી દેવાયું છે. અનલોકની તબક્કાવાર છૂટછાટમાં લોકો બિન્દાસ્ત બનીને જાહેરમાં ખરીદી તેમજ ફરવા નીકળી પડ્યા હતા. આ વચ્ચે તહેવારોની ઉજવણીમાં લોકોએ ધોમ ખરીદી માટે બજારોમાં ભીડ લગાવી હતી.

અંતે આ ભીડ કોરોનાની બીજી લહેર માટે જવાબદાર બની છે. અમદાવાદ તેમજ સુરત સહિતના મહાનગરોમાં કેસોમાં ધરખમ વધારો થયો છે. ભરૂચ જેવા નાનકડા જિલ્લાઓમાં પણ કોવિડના કેસો સામે આવી રહ્યા છે. જો કે તેમ છતાં બજારોમાં વેપારીઓ તેમજ ગ્રાહકો કોરોનાને હલકામાં લઈને માસ્ક તેમજ સામાજિક અંતરના ધજાગરા ઉડાવતા જોવા મળી રહ્યા છે. ભરૂચના પાંચબત્તી થઈને સેવાશ્રમથી શકિતનાથ સુધીના જાહેર માર્ગ પર શાકભાજીની ધંધો કરતાં લારી ધારકો મોટા પ્રમાણમાં જોવા મળે છે.

શાકભાજીના ઉભરાતા બજારમાં લોકોના મેળાવડા જામી રહ્યા છે. લોકોની ભીડ છતાં કેટલાય લારીધારકો માસ્ક કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા, જેના કારણે કોરોના ફેલાવાનો ભય સતત વધી રહ્યો છે. ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્ર સંજ્ઞાન લઈને સરકારની ગાઇડ લાઇનનું પાલન કરાવે તે જરૂરી છે. નહીંતર આવનારા સમયમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી ભીતિ સેવાઇ રહી છે.

Tags:    

Similar News