ભરૂચ : દહેજ-ઘોઘા રોપેક્ષ ફેરી સર્વિસનો થશે પુનઃ પ્રારંભ, 3 મહિના ઉપરાંતથી હતી બંધ

Update: 2020-02-21 12:32 GMT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ સમાન દહેજ અને ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસ તા. 24મી ફેબ્રુઆરીથી પુન: શરૂ થશે. દહેજ બંદરે ડ્રેજીંગની ખાતરી આપવામાં આવતાં કંપનીએ તા. 10મી માર્ચ સુધી દિવસમાં એક વખત ફેરી ચલાવવાનો નિર્ણય લીધો છે.

ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે વર્ષ 2017માં રો-રો ફેરી સર્વિસનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયું હતું. બન્ને બંદરો વચ્ચે સડક માર્ગનું 800 કીમીનું અંતર જહાજમાં માત્ર 1 કલાકમાં કાપી શકાતું હોવાથી મુસાફરોના સમયનો બચાવ થતો હતો. રો-રો ફેરી સર્વિસના સંચાલન માટે ઇન્ડીગો સી વેઝ કંપનીએ સિંગાપુરથી આઇલેન્ડ જેડ નામના જહાજની ખરીદી કરી હતી. આ જહાજમાં માત્ર મુસાફરોનું વહન કરવામાં આવતું હતું.

વર્ષ 2018ના ડીસેમ્બરમાં રોપેક્ષ સર્વિસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મુસાફરો તેમના વાહનો સાથે મુસાફરી કરી શકે છે. છેલ્લા ઘણા સમયથી દહેજ અને ઘોઘા બંદર ખાતે ડ્રેજિંગની કામગીરી થતી ન હોવાથી જહાજને ચલાવવા માટે દરિયામાં 5 મીટરની ઉંડાઇનો પણ ડ્રાફટ મળતો નથી. જેના કારણે કંપનીને જંગી ખોટ જઇ રહી હોવાથી છેલ્લા 3 મહિના ઉપરાંતથી રો-રો અને રોપેક્ષ ફેરી સર્વિસ બંધ કરી દેવામાં આવી હતી. રાજ્ય સરકારે દહેજ બંદર ખાતે ડ્રેજીંગ કરી જહાજને ચલાવવા માટે પુરતી ઉંડાઇ મળી રહે તેવી ખાતરી આપતાં રોપેક્ષ ફેરી સર્વિસ ફરી ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. તા. 24મી ફેબ્રુઆરીથી તા. 10મી માર્ચ સુધી દિવસમાં એક વખત જહાજ દહેજ અને ઘોઘા વચ્ચે મુસાફરો અને વાહનોનું વહન કરશે.

Similar News