ભરૂચ : ધોળીકુઇ બજારમાં બે માળનું મકાન ધરાશાયી, કોઇ જાનહાનિ નહિ

Update: 2020-03-10 07:58 GMT

ભરૂચ શહેરના ધોળીકુઇ બજારમાં ગત રાત્રિના સમયે બે માળનું અને જર્જરીત હાલતમાં રહેલું મકાન ધરાશાયી થતાં દોડધામ મચી ગઇ હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ ન હતી.

જુના ભરૂચ શહેરમાં આવેલાં કેટલાક મકાનો જર્જરીત હાલતમાં રહેલાં છે. શહેરમાં મકાનો ધરાશાયી થવાના બનાવો છાશવારે બનતાં હોય છે. નગરપાલિકા મકાનો ઉતારી લેવા માલિકોને નોટીસ આપી જવાબદારી પુરી કરી દીધી હોવાનો સંતોષ માણે છે. બીજી તરફ વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મકાનમાલિકો પણ જર્જરીત મકાનમાં જીવના જોખમે રહેતાં હોય છે. શહેરમાં બંધ હાલતમાં રહેલાં મકાનો જર્જરીત બની ચુકયાં છે. આવા મકાનો ધરાશાયી થાય છે ત્યારે આજુબાજુના મકાનધારકોને નુકશાન વેઠવાનો વારો આવે છે. શહેરના ધોળીકુઇ બજારમાં આવેલું એક જર્જરીત મકાન તુટી પડતાં દોડધામ મચી ગઇ હતી. રાતના સમયે ઘટના બની હોવાથી જાનહાનિ ટળી હતી. દિવસ દરમિયાન આ મકાનની આસપાસ શાકભાજી તથા અન્ય વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓ પથારા નાંખતાં હોય છે. મકાન તુટી પડવાની જાણ થતાં નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.

Similar News