ભરૂચ : લાભ પાંચમની વાટે બજારો સૂમસામ, ફટાકડા બજાર પણ ખાલી થતાં કચરો જામ્યો

Update: 2020-11-18 11:44 GMT

ભરૂચ શહેરમાં દિવાળીનાં તહેવારોને લઈને લાભ પાંચમ સુધી બજારો અને દુકાનો બંધ રહેશે જેને લઈને બજારો સૂમસામ ભાસી રહ્યા છે. તો બીજી તરફ હોસ્ટેલ ગ્રાઉંડમાં ભરાતું ફટાકડા બજાર ઉઠી જતાં કચરાનાં ઢગ જોવા મળી રહ્યા છે. દુકાનદારો સાફસફાઇ કર્યા વિના જ જતાં રહેતા તંત્ર પાસે સફાઈની લોકમાંગ ઉઠી છે.

ભરૂચ જીલ્લાનાં વેપારીઓએ દિપાવલી પર્વ બાદ લાભ પાંચમ સુધી પોતાની દુકાનો બંધ રાખી છે જેના પગલે ભરૂચનાં કતોપોર દરવાજા, ચકલા, દાંડિયા બજાર જેવા વિસ્તારોમાં દુકાનો બંધ રહેવાથી બજારો સુમસામ જણાઈ રહ્યા છે. જોકે પશ્ચિમ વિસ્તારોમાં દુકાનો ખુલ્લી રહેવાથી આ વિસ્તારોમાં ચહલ-પહલ જણાઈ રહી છે. ભરૂચ જીલ્લાનાં વેપારીઓ લાભપાંચમનાં દિવસે શુભ મુહૂર્ત જોઇ નવા વર્ષના ધંધા રોજગારની શરૂઆત કરશે. હિન્દુ વેપારીઓ દર વર્ષે દિપાવલી બાદ પોતાની દુકાનો બંધ રાખી લાભપાંચમનાં દિવસે નવા વર્ષે ધંધામાં બરકત રહે તેવી પ્રાર્થના સાથે ધંધાની શરૂઆત કરતા હોય છે. કોરોના મહામારીનાં પગલે લોકડાઉનના કારણે ઘણા લાંબા સમય સુધી દુકાનો બંધ રહેવાથી વેપારીઓને ધંધામાં ભારે ખોટ સર્જાય હતી. તારે નવાવર્ષે વિશ્વમાંથી કોરોનાને કુદરત જાકારો આપે તેવી પ્રાર્થના સાથે લાભપાંચમનાં દિવસે વેપારીઓ નવા વર્ષનાં ધંધા રોજગારની શરૂઆત કરશે.

બીજી તરફ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર દિવાળી નિમિત્તે ફટાકડા બજાર ભરાયું હતું. દર વર્ષે ગ્રાઉંડમાં ફટાકડા તેમજ રંગોળી સહિતની દિવાળીમાં સુશોભન માટેની ચીજ વસ્તુઓનાં સ્ટોલ લાગે છે. જ્યાં શહેરજનો મોટા પ્રમાણમાં ખરીદી કરતાં હોય છે. અને દિવાળીની ઉજવણી કરે છે. હાલ દિવાળીનો તહેવાર પૂર્ણતાનાં આરે છે ત્યારે વેપારીઓ બજાર ખાલી કરી જતા રહ્યા છે. જો કે દુકાનદારો સાફસફાઇ કર્યા વિના સ્ટોલ છોડી જતાં રહેતા ગ્રાઉંડમાં કચરો જામી ગયો છે. જેથી હોસ્ટેલ ગ્રાઉન્ડ કચરા ગ્રાઉન્ડ બની ગયું છે. દીપાવલી બાદ હોસ્ટેલ ગ્રાઉન્ડ પરના કચરા અંગે ગ્રાઉન્ડનો ઉપયોગ કરનાર ફટાકડાના અને અન્ય ચીજ વસ્તુઓના વેપારીઓએ ભેગા મળી હોસ્ટેલ ગ્રાઉન્ડ સાફસફાઈ કરે તે જરૂરી બન્યું છે. સ્વચ્છતા જાળવવી એ સૌની ફરજ છે ત્યારે આ કચરાની સફાઈ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Tags:    

Similar News