ભરૂચ : નેત્રંગના મોટા માલપોર ગામે 66 KV વીજ કરંટ લાગતાં 8 વાનરોનું મોત, 22 વાનરોનું ઝુંડ ટાવર ઉપર ચઢ્યું હતું

Update: 2020-03-13 07:54 GMT

ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામ નજીકથી પસાર થતી 66 KV હાઈટેન્શન વીજ લાઈનના ટાવર ઉપર 22 જેટલા વાનરોનું ઝુંડ ચઢી ગયું હતું. જેમાં વીજ કરંટ લાગતાં 8 વાનરોનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા માલપોર ગામની સીમમાંથી પસાર થતી વીજ કંપનીની 66 KV હાઈટેન્શન વીજ લાઈનના ટાવર ઉપર 22 જેટલા વાનરોનું ઝુંડ ચઢી ગયું હતું. બનાવની જાણ ગ્રામજનોને થતાં વાનરોને ટાવર ઉપરથી નીચે ઉતારવા માટે કેળા તેમજ વેફરની લાલચ આપી નીચે ઉતારવા માટેના પ્રયાસ કરાયા હતા, પરંતુ ઝુંડના મોટા વાનરો નીચે ઉતર્યા ન હતા.

સમગ્ર મામલે વીજ કંપનીના અધિકારીઓને બનાવની જાણ કરવામાં આવી હતી, ત્યારે જેટકોના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી ટાવર ઉપર ચઢેલા વાનરોને બચાવવા રેસક્યું શરૂ કર્યું હતું. જેટકો કંપની દ્વારા રાજપારડી-નેત્રંગની હેવી ટાવર લાઈનના પાવર સપ્લાયને સૌપ્રથમ બંધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ જેટકોના કર્મચારીઓ વાનરોને બચાવવા જીવના જોખમે ટાવર ઉપર ચઢ્યા હતા, ત્યારે હેમખેમ કેટલાક વાનરોને નીચે ઉતારવામાં આવ્યા હતા, પરંતુ વીજ પુરવઠો પુનઃ શરૂ કરાતાં ટાવર ઉપર રહેલા અન્ય વાનરોને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 8 જેટલા વાનરોનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Similar News