ભરૂચ : વરસાદી ઝાપટાથી શહેર ભીંજાયું, મુશળધાર વરસાદની છે આશા

Update: 2020-07-11 07:08 GMT

ભરૂચ શહેરમાં બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યાં બાદ મેઘરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદી ઝાપટાના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં હજી મેઘરાજાની મહેર થઇ નહિ હોવાથી મુશળધાર વરસાદ વરસે તેવી આશ લગાવીને લોકો બેઠા છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાં શુક્રવારે રાતથી ઝરમર ઝરમર વરસાદ વરસી રહયો છે. ધીમી ધારે વરસી રહેલાં વરસાદના કારણે જનજીવન થોડું અસ્તવ્યસ્ત બન્યું છે. એક તરફ કોરોના વાયરસનો કહેર ચાલી રહયો છે તો બીજી તરફ ચોમાસાની જમાવટ થઇ રહી છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે પણ હજી દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યાં નથી. ભરૂચમાં વરસાદના પગલે લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત સાંપડી હતી.

શનિવારે દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણની વચ્ચે કયાંક કયાંક વરસાદી ઝાપટા વરસી જતાં હતાં. ચોમાસાની જમાવટ થઇ રહી હોવાથી ખેડુતો પણ વાવણી કાર્યમાં જોતરાય ગયાં છે. ભરૂચમાં મેહુલિયો મુશળધાર વરસે તેવી આશ લોકો લગાવીને બેઠા છે. હાલ તો વરસાદી ઝાપટાથી શહેરના માર્ગો પર ખાબોચીયાઓ ભરાય જતાં વાહનચાલકો અને રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહયાં છે.

Similar News