ભરૂચમાં SC અને ST યુવાનો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમી વર્ગો શરૂ

Update: 2018-11-13 10:17 GMT

પોલીસ અને તલાટીની ભરતીની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ભરૂચ જિલ્લાના એસ.સી. અને એસ.ટી. સમાજના યુવાન અને યુવતીઓને પરીક્ષાલક્ષી તાલીમ મળી રહે માટે ડો. આંબેડકર એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તથા માં મણિબા સાર્વજનિક ચેરી. ટ્રસ્ટ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓના વિનામૂલ્યે ૧પ દિવસીય તાલીમ વર્ગનો આંબેડકર ભવન ખાતે શુભારંભ થયો હતો.

સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમવર્ગના શુભારંભ સમારોહના માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ધનજીભાઇ પરમાર, ઓએનજીસી એસ.સી. એસ.ટી. એમ્પ્લોઇઝ એસોસીએશનના રોહિતભાઇ પટેલ સહિત સમાજના આગેવાનો અને તાલીમાર્થીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. શુભારંભ સમારોહમાં સમાજના આગેવાનોએ તાલીમાર્થીઓને યોગ્ય માર્ગદર્શન આપી તાલીમનો લાભ લઇ પરીક્ષાઓમાં સફળ થવા માટેની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિધિવત તાલીમ શરૂ થતા પહેલા દિવસે જ મોટી સંખ્યામાં યુવાન અને યુવતીઓ તાલીમ લેવા માટે ઉમટયા હતા. જેમાં સુરતની યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના તજજ્ઞ જયેશભાઇએ ગુજરાતી વ્યાકરણ સહિત સ્પર્ધાત્મક પરીક્ષા કઇ રીતે આપવી જાઇએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સ્પર્ધાત્મક પરીક્ષાના પહેલા દિવસે મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ ઉપસ્થિત રહયા હતા. પરંતુ હજુ પણ જે એસ.સી અને એસ.ટી. યુવક યુવતિઓએ પોલીસ તથા તલાટીની ભરતી માટે ફોર્મ ભર્યા હોય અને તાલીમ મેળવવા માંગતા હોય તેઓ સીધા જ તાલીમના સ્થળ આંબેડકર ભવન ભરૂચ ખાતે બપોરે ૧ર.૪પ કલાકે હાજર રહી તાલીમમાં જાડાઇ શકે છે તેવી અપીલ પણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

Similar News