ભરૂચ: કલમ 144નું કડક પાલન થાય તેવી માંગ, કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયું આવેદન

Update: 2020-03-23 12:35 GMT

સાંપ્રત સમયમાં સમગ્ર ભરૂચ જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે, ત્યારે તેનું કડક પાલન થાય તેવી માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવકતા નાજુ ફડવાળા, અરવિંદ દોરાવાલા, સંદીપસિંહ માંગરોલા સહીત આગેવાનોનું પ્રતિનિધિ મંડળ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં કોરાના વાયરસની મહામારીને રોકવા જિલ્લામાં કલમ 144 અંતર્ગત જે જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે, તેનું કડક પાલન થાય તેવી માંગ કરવામાં આવી છે. ખાસ કરીને દહેજ સહીત જિલ્લાની અન્ય ઔદ્યોગીક વસાહતોની જાણીતી કંપનીઓના સંચાલકો દ્વારા અનેક કામદારોને ફરજીયાત નોકરી અર્થે આવવાની ફરજ પાડવામાં આવી રહી છે, જે અંત્યંત જોખમી પુરવાર થઇ શકે છે.

ઉપરાંત કંપનીઓના સંચાલકો જો જાહેરનામાનું પાલન ન કરે તો તેવી કંપનીને તાત્કાલિક અસરથી સીલ કરવી જોઈએ તેવી ભારપૂર્વક જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. આ પ્રતિનિધિ મંડળ દ્વારા માર્ચ એન્ડિંગ મહિનો હોવાથી ખેડૂતોને બેંકમા લોનના હપ્તા ભરવામાં વધુ મુદત મળે અને તેમના ખાતાઓ એનપીએ ન થાય તે અંગે પણ રજૂઆત કારી હતી.

Similar News