ભરૂચ : ટયુશન અને જીમ સંચાલકોએ કર્યો આદેશનો અનાદર, તંત્રએ કરી દીધા તમામને સીલ

Update: 2020-03-20 09:56 GMT

કોરોના વાયરસને અનુલક્ષી રાજય સરકારે 31મી માર્ચ સુધી શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓ બંધ રાખવા આદેશ કર્યો છે પણ ભરૂચમાં કેટલાક ટયુશન કલાસીસ અને જીમ બંધ રાખવામાં નહિ આવતાં તંત્રએ તમામને સીલ કરી દીધાં છે.

ભારત દેશમાં વધી રહેલાં કોરોના વાયરસના કેસને અનુલક્ષી વડાપ્રધાને 22મીએ જનતા કરફયુની જાહેરાત કરી છે. આ ઉપરાંત રાજય સરકારે 31મી માર્ચ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ, શોપિંગ મોલ્સ અને મલ્ટીપ્લેકસ બંધ રાખવા માટે આદેશ કર્યો છે. ભરૂચ શહેરમાં 12 જેટલા ટયુશન કલાસીસ અને 09 જેટલા જીમમાં સરકારના આદેશનો અનાદર થઇ રહયો હોવાની ફરિયાદ કલેકટર એમ.ડી.મોડીયાને મળી હતી. તેમણે તાત્કાલિક અસરથી જીમ અને ટયુશન કલાસીસ સીલ કરી દેવા માટે આદેશ કર્યો છે.

કોરોના વાયરસની અસર ઓછી કરવા માટે જીમ, પાર્ટી પ્લોટ અને મેરેજ હોલ બંધ રાખવા આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. વધુમાં કોરોના વાયરસનું માર્ગદર્શન મળી રહે તે માટે ખાસ હેલ્પલાઇન (02642) 252472 જાહેર કરવામાં આવ્યો છે. તદ ઉપરાંત અધિકારીઓને પુર્વ મંજુરી વિના હેડકવાટર્સ નહી છોડવા આદેશ કરાયો છે. બીજી તરફ ભરૂચના જાણીતા લોકગાયક અભેસિંહ રાઠોડે પણ લોકડાયરા સહિતના કાર્યક્રમો મુલતવી રાખવા માટે આયોજકોને અપીલ કરી છે.

Similar News