અંકલેશ્વર : નવનિયુક્ત પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠક મળી...

અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે લલીતા રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થએ ચાર્જ સંભાળ્યા બાદ 10 કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી

Update: 2023-10-30 14:05 GMT

નવનિયુક્ત પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં મળી બેઠક

પાલિકામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠક મળી

પાલિકા પ્રમુખ સ્થાનેથી 44 કામોને સર્વાનુમતે મંજૂરી

પાલિકાની કામગીરી બાબતે સત્તા પક્ષને વિપક્ષે ઘેર્યો

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડમાં અંકલેશ્વર નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં પ્રથમ ત્રિમાસિક જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એજન્ડા પરના 41, જ્યારે સપ્લીમેન્ટરી એજન્ડા પરના 2 અને પ્રમુખ સ્થાનેથી 1 મળી કુલ 44 કામોને સર્વાનુમતે અથવા વધુ મતે મંજૂરી મળી હતી. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે લલીતા રાજપુરોહિત તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવેશ કાયસ્થએ ચાર્જ સંભાળ્યા બાદ 10 કમિટીના ચેરમેન અને સભ્યોની નિમણૂંક પણ કરવામાં આવી હતી.

જેમાં 6 કમિટીમાં મહિલા નગરસેવિકાને કમિટીની કમાન સોંપવામાં આવી હતી. કારોબારી કમિટીમાં 9, જ્યારે માધ્યમિક શાળા, ડિસ્પેન્સરી, રીક્રીએશન, હેલ્થ એન્ડ સેનિટેશન, લાઇટ, વોટર વર્કસ, વાહન કમિટી, ડ્રેનેજ કમિટીમાં 5 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું હતું.

અંકલેશ્વર APMC સમિતિના ચેરમેન તરીકે જ્યોત્સના રાણા, કારોબારી કમિટીના ચેરમેન તરીકે નિલેશ પટેલ, માધ્યમિક શાળાના ચેરમેન તરીકે વિરલ મકવાણા, ડિસ્પેન્સરી કમિટીમાં હિરલ પટેલ, રીક્રીએશન કમિટીમાં નયના વસાવા, હેલ્થ એન્ડ સેનિટેશન કમિટીમાં સુરેશ પટેલ, લાઇટ કમિટીમાં કામિની ગાંધી, વોટર વર્કસમાં જીજ્ઞનેશ પટેલ, વાહન કમિટીમાં અક્ષેશ પટેલ, ડ્રેનેજ કમિટીમાં દક્ષા પટેલની ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.

તો બીજી તરફ, પાલિકાની બેઠક દરમ્યાન ભ્રષ્ટાચારથી લઇ પૂર વેળાએ પુરગ્રસ્તોએ વેઠેલી સમસ્યા મુદ્દે વિપક્ષ ગરજ્યું હતું. જેમાં નગરપાલિકાના હોદ્દેદારોને શાબ્દિક પ્રહારો કરી ઘેર્યા હતા. કરોડોના ખર્ચે બનેલ સ્વર્ણિમ લેક-વ્યૂ પાર્કમાં દિવાલ ધસી પાડવાથી બ્લોક બેસી જવા, ડમ્પિંગ સાઈટમાં લાખોના સરસામાનની ચોરી, ડમ્પિંગ સાઈટમાં ઓચિંતી આગ લાગવી સહિતના મુદ્દે વિપક્ષે પાલિકાના સત્તાધીશો સામે ખાયકી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કરી ન્યાયીક તપાસની માંગ કરી હતી.

Tags:    

Similar News