ભરૂચ : નેત્રંગ-મોવી રોડ પર ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 7 ઇજાગ્રસ્તો સારવાર હેઠળ...

ઇકો કારમાં સવાર અન્ય 7 જેટલા મુસાફરોને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ઉમટેલા લોકટોળાએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢ્યા હતા

Update: 2023-05-07 12:19 GMT

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વાંદરવેલી ગામ નજીક રોડની સાઈડ પર મુસાફરોને ઉતારવા ઊભેલી ઇકો કારને નેત્રંગ તરફથી આવતા ડમ્પરે પાછળથી ટક્કર મારતા ઇકોમાં સવાર 7 જેટલા મુસાફરોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખડેસવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના નેત્રંગ-રાજપીપલા રોડ પર જવાબદાર અધિકારીઓની રહેમનજર હેઠળ 150થી વધુ ડમ્પર દિવસ અને રાત ઓવરલોડ રેતી ભરી બેફામ દોડી રહ્યા છે. જોકે, આવા ડમ્પરો દ્વારા અગાઉ અકસ્માતના બનાવો પણ બન્યા છે.

થોડા દિવસો અગાઉ એક ડમ્પરના ચાલકે મોવી ગામના પાટીયા નજીક 5 વર્ષના માસુમ બાળકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, ત્યારે હવે વધુ એક અકસ્માતનો બનાવ વાંદરવેલી ગામ નજીક બન્યો હતો. જેમાં નેત્રંગની ખાનગી ઇકો કાર નં. GJ-16-BN-2457નો ચાલક મુસાફરોને મોવી તરફ લઈને જવા માટે નિકળ્યો હતો, ત્યારે વાંદરવેલી ગામના પાટીયા નજીક રોડની સાઈડ પર એક મુસાફરને ઉતારવા ઇકો કાર થોભાવી હતી. આ દરમ્યાન નેત્રંગ તરફથી આવતા ડમ્પર નં. GJ-05-BZ-7894ના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારી લાવી રોડ સાઈડ ઉભી રહેલી ઇકોને પાછળથી ટક્કર મારી હતી,

ત્યારે ઇકો કારમાં સવાર અન્ય 7 જેટલા મુસાફરોને હાથ-પગ અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. બનાવના પગલે ઘટના સ્થળે ઉમટેલા લોકટોળાએ ભારે જહેમત ઉઠાવી ઇજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યા હતા. નેત્રંગ પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર જપ્ત કરી પુરઝડપે અને ગફલતભરી રીતે ડમ્પર હંકારનાર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Tags:    

Similar News