ભરૂચ : કરોડો રૂપિયાના ખર્ચે બનેલી ઝઘડીયાની સુએજ ગટર લાઇનમાં ભંગાણ, ગંદકીના સામ્રાજ્યથી જનતા પરેશાન...

ગટર લાઇનનું પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર ફેલાઈ રહ્યું છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી

Update: 2023-04-25 14:36 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયત, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના જવાબદાર વિભાગોમાં ઝઘડીયા ગામમાં ઉભરાતી સુએજ ગટર લાઈન બાબતે અલગ અલગ વિસ્તારના રહીશોએ ભૂતકાળમાં વારંવાર રજૂઆત બાદ પણ લીકેજની સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે, ત્યારે વહીવટી તંત્ર આ મામલે બેદરકારી દાખવી રહ્યું હોવાના ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.

ઝઘડીયા ગામમાં છેલ્લા કેટલા સમય પહેલા પ્રજાના પૈસે ગામમાં સુએજ ગટર લાઈન બનાવવામાં આવી હતી. જે ગટરો જાહેરમાં વારંવાર ઉભરાતી હોવાથી જવાબદાર ગ્રામ પંચાયતથી લઇ જિલ્લા કક્ષાના અધિકારીઓ નબળી કામગીરી સામે બેદરકારી દાખવી રહ્યા છે. હાલમાં સુએજ ગટરલાઈન ઝઘડીયાની બેંક ઓફ બરોડા પાછળના વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે, અને છેલ્લા કેટલાક દિવસથી ગટર લાઇનનું પ્રદૂષિત પાણી જાહેર રોડ ઉપર ફેલાઈ રહ્યું છે. તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદો મળ્યા બાદ પણ કોઇ પગલાં ભરવામાં આવતાં નથી. જેના કારણે સ્થાનિક રહીશોમાં બેજવાબદાર તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

Tags:    

Similar News