ભરૂચ : 32 ગામના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી, જાણો સમગ્ર મામલો..!

ભરૂચ જીલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર આપ્યું હતું.

Update: 2024-01-11 08:06 GMT

ભરૂચ જીલ્લામાં સરકારી પ્રોજેક્ટમાં સંપાદિત જમીન વળતરની રકમથી નારાજ ખેડૂતોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજી આવેદન પત્ર આપ્યું હતું. આ સાથે જ 32 ગામના ખેડૂતોએ ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેકટ અને બાડભૂત બેરેજ યોજનાના નિર્માણમાં જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા ઘણા સમયથી સહાય વળતરની રકમને લઈ આંદોલનના માર્ગે વળ્યાં છે. આ પહેલા પણ ખેડૂતોની કમિટી દ્વારા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મિટિંગ કરવા છતાં પણ આ સમસ્યાનો ઉકેલ ન આવતા હવે વિવાદ વધુ વકર્યો છે. ખેડૂતો અપેક્ષિત વળતરની માંગણીને લઈ મક્કમ છે, તો સરકાર પણ કોઈપણ સંજોગોમાં વહેલી તકે એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેન પ્રોજેકટ અને ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી પૂર્ણ કરવાના મૂડમાં છે. તો બીજી તરફ, સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા, જ્યાં 32 ગામના ખેડૂતોએ પોતાના ચૂંટણી કાર્ડ જમા કરાવી ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી આવેદન પત્ર આપ્યું હતું. ભરૂચ જિલ્લાના હાંસોટ, અંકલેશ્વર અને આમોદ સહિતના 32 ગામના ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી પહોંચતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લાના ખેડૂતો લાંબા સમયથી જમીનના વળતરની માંગણીને લઈ લડત કરી રહ્યા છે. અન્ય જિલ્લાઓમાં કોઈ સમસ્યા નથી. પરંતુ ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરની રકમને લઈ અસંતોષ વ્યક્ત કરી આવનારી લોકસભા-2024ની ચૂંટણીમાં નેતાઓ અને અધિકારીઓને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી ઉગ્ર વિરોધ દર્શાવવાની ચીમકી ઉચ્ચારી છે.

Tags:    

Similar News