ભરૂચ : કોરોનાના કારણે વિદેશમાં નોકરી અટકી, આર્થિક ભીંસમાં આવેલાં મેનેજરે ઘડયો લુંટનો પ્લાન

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે.

Update: 2022-01-27 14:42 GMT

ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી સુંદરમ જવેલર્સમાં લુંટનો પ્રયાસ કરનારા ત્રણ આરોપીને પોલીસે ઝડપી પાડયાં છે. મુળ બિહારના અને 2015ની સાલથી ભરૂચમાં રહેતાં તેમજ વિવિધ કંપનીઓમાં મેનેજર તરીકે ફરજ બજાવી ચુકેલાં અમનસિંહ રાજપુત લુંટના કાવતરાનો મુખ્ય સુત્રધાર હોવાની વિગતો સપાટી પર આવી છે.

વિદેશમાં નોકરી માટે એપ્લાય કરનારા અમનસિંહ રાજપુત બે મહિનાથી નોટીસ પિરીયડ પર હતો અને નોકરી વિના આર્થિક સંકડામણ ઉભી થતાં તેણે લુંટનો પ્લાન ઘડી કાઢયો હતો. તેણે પોતાના બે સાગરિતોને બિહારથી ભરૂચ બોલાવ્યાં હતાં અને તેમને વડદલામાં ભાડાના મકાનમાં રાખ્યાં હતાં. અમનસિંહ રાજપુત ઝાડેશ્વર રોડ પર આવેલાં સુંદરમ જવેલર્સમાં અવરજવર કરતો હોવાથી ત્યાં લુંટ ચલાવવાનું નકકી કર્યું હતું. લુંટના કાવતરાને અંજામ આપવા માટે તેમણે ભરૂચના ભોલાવ એસટી બસ ડેપો નજીકથી અપાચે બાઇકની ચોરી કરી હતી. ચોરીની બાઇક પર ત્રણે ધારદાર હથિયાર તથા બનાવટી પિસ્તોલ લઇને સુંદરમ જવેલર્સમાં પહોંચ્યાં હતાં પણ દુકાનદારે બુમરાણ મચાવતા આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને એક લુંટારૂને ઝડપી લીધો હતો. બનાવની જાણ થતાં ભરૂચ જિલ્લાની તમામ પોલીસને એલર્ટ કરી દેવાય હતી અને ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી હતી. ફરાર થઇ ગયેલાં બે લુંટારૂઓ પૈકી એકને અંકલેશ્વર રેલવે સ્ટેશન તથા બીજાને શ્રવણ ચોકડી નજીકથી ઝડપી લેવામાં આવ્યાં છે. આરોપીઓ પાસેથી ચોરીની બાઇક તથા મોબાઇલ મળી કુલ એક લાખ રૂપિયા ઉપરાંતનો મુદ્દામાલ કબજે લેવાયો છે. ભરૂચ પોલીસે પોણા બે કલાકના સર્ચ ઓપરેશનમાં જ ત્રણે આરોપીને દબોચી લીધાં છે. આ અંગે વધુ વિગતો ભરૂચના એએસપી વિકાસ સુંડાએ આપી હતી.

Tags:    

Similar News