ભરૂચ : મનસુખ વસાવા પર પાણી મુદ્દે ટિપ્પણીનો વિડિયો વાયરલ કરતાં નર્મદા-પાનખલાના શિક્ષક સસ્પેન્ડ, આદિવાસી સમાજનું તંત્રને આવેદન

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,

Update: 2024-04-08 09:17 GMT

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષકે પાણી મુદ્દે સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરતો વિડિયો વાયરલ કરતાં તેઓને ફરજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, ત્યારે આદિવાસી સમાજે શિક્ષકના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના માથરસા ગામના રહેવાસી અને પાનખલા પ્રાથમિક શાળાના શિક્ષક ભારજી વસાવાએ પોતાના ગામમાં પાણીની સમસ્યા અંગેનો વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. જે બાદ તેમને તાત્કાલિક પાનખલા પ્રાથમિક શાળામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવતા આદિવાસી સમાજમાં સરકારના પ્રતિનિધિઓ સામે રોષની લાગણી ફેલાય છે, ત્યારે આ મામલે માથરસા સહિત આસપાસના ગામ તેમજ ભરૂચના આદિવાસી સમાજના આગેવાનો અને યુવકો દ્વારા શિક્ષક ભારજી વસાવાના સમર્થનમાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આદિવાસી સમાજના આગેવાનો દ્વારા સરકાર સામે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, સરકાર દ્વારા માત્ર કાગળ પર જ આદિવાસીઓ માટેની યોજનાઓ મુકવામાં આવે છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. આદિવાસીઓ માટેનું સ્મશાન ગૃહ પણ ઉપલબ્ધ નથી, ત્યારે સરકાર માત્ર આદિવાસીઓને જુઠા વાયદા કરે છે, પણ આદિવાસીઓ માટે કોઈ વિકાસના કામ કરવામાં આવતા નથી, ત્યારે શિક્ષક ભારજી વસાવાને સાચી રજૂઆત બાદ સસ્પેન્ડ કરી દેવાયા છે, જે નિંદનીય બાબત છે. જેને આદિવાસી સમાજ વખોડી નાખે છે. આ સાથે જ શિક્ષક ભારજી વસાવાને પુનઃ નોકરીમાં લેવામાં આવે જેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું હિત પણ જળવાય રહે, અને આદિવાસી બાળકોને એક સારા અને સાચા શિક્ષકનું માર્ગદર્શન મળી રહેની માંગ સાથે દેશના રાષ્ટ્રપતિ અને ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

Tags:    

Similar News