ભરૂચ : કબીરવડ હોડી ઘાટના સંચાલક દ્વારા મંગલેશ્વરના ગ્રામજનો પાસેથી ભાડું વસૂલાતા વિરોધ...

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા મંગલેશ્વર ગામમાં કબીરવડ હોડી ઘાટનો ઈજારો હાલમાં જ આપવામાં આવ્યો છે.

Update: 2023-12-04 11:44 GMT

ભરૂચ જિલ્લાના પ્રવાસનધામ કબીરવડના હોડી ઘાટનો ઈજારો આપવામાં આવતા ઇજારદાર દ્વારા મંગલેશ્વરના ગ્રામજનો પાસેથી પણ ભાડું વસૂલવા તેમજ અન્ય કોઈએ બીજી બોટ નર્મદા નદીમાં નહી લઈ જવાની તાકીદ કરતા સરપંચ સહિતના ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા મંગલેશ્વર ગામમાં કબીરવડ હોડી ઘાટનો ઈજારો હાલમાં જ આપવામાં આવ્યો છે. મંગલેશ્વર ગામના ગ્રામજનો બોટમાં બેસીને ખેતી તેમજ ધંધા અર્થે વર્ષોથી કબીરવડ જતા હોય છે. હોડીઘાટ સંચાલક અત્યાર સુધી તેઓ પાસેથી ભાડું વસુલતા નહોતા. પરંતુ હવે હાલના સંચાલક દ્વારા ગ્રામજનોને મૌખિક જાણ કરવામાં આવી હતી કે, હવેથી ભાડું વસુલવામાં આવશે. જેથી મજૂરી કે, ખેતી માટે જતાં ગ્રામજનોમાં ભાડું વસૂલવા સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે. આ પૂરતું ન હોય તેમ હોડી ઘાટ સંચાલક દ્વારા અન્ય કોઈ બોટ પણ નદીમાં ઉતારવા સામે મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જેથી, હોડી ઘાટનો ઈજારો આપવામાં આવ્યો છે કે, પછી નર્મદા નદીનું સંપૂર્ણ સંચાલન સોંપવામાં આવ્યું છે, તેવો પ્રશ્ન ગ્રામજનો કરી રહ્યા છે. આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો તેમજ ગ્રામજનોએ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. તેમ છતાં પણ કબીરવડ હોડી ઘાટના સંચાલક દ્વારા ગ્રામજનો પાસેથી ભાડું વસુલ કરવામાં આવશે, તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી.

Tags:    

Similar News