ભરૂચ : પાંચબત્તીથી મહંમદપુરા સુધી "ડીસ્કો" કરાવતો રસ્તો

Update: 2021-09-08 13:12 GMT

ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તીથી મહંમદપુરા સુધીના રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે હાલાકી વેઠી રહયાં છે.

ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ... ચોમાસું આવતાની સાથે ભરૂચવાસીઓ માટે આ કહેવત સાચી પડે છે. સામાન્ય વરસાદ વરસતાની સાથે રસ્તાઓ પત્તાના મહેલની માફક ધોવાઇ જાય છે. ડામર અને કપચીના બદલે રસ્તાઓ પર મોટા ખાડાઓ દેખાવા માંડે તો સમજી લેવાનું કે ભરૂચવાસીઓના ખરાબ દિવસોની શરૂઆત થઇ ચુકી છે. દર વર્ષે પાલિકાની તિજોરીમાં વેરા પેટે કરોડો રૂપિયા જમા કરાવવા છતાં પાલિકાના શાસકો શહેરીજનોને સારા અને ગુણવત્તાસભર રસ્તાઓની સુવિધા પુરી પાડવામાં સદંતર નિષ્ફળ રહયાં છે. ભરૂચની જનતાનું કમનસીબ ગણો કે બદહાલી તેમના નસીબમાં સારા રસ્તાઓ લખ્યાં જ નથી. દર ચોમાસમાં અનેક વાહનચાલકો ખાડાઓના કારણે અકસ્માતનો ભોગ બની દવાખાના ભેગા થાય છે. દવા અને સારવારનો ખર્ચ થાય તે તો વેરાના વ્યાજ ભરવા સમાન છે. ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવા છતાં રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડી ગયાં છે અને તેમાંય પાંચબત્તીથી મહંમદપુરા સુધીનો રસ્તો તો ડીસ્કો કરાવી રહયો છે. પાંચબત્તીથી મહંમદપુરા સુધીનો રસ્તા પરથી રોજના હજારો વાહનચાલકો પસાર થાય છે અને ખરાબ રસ્તાઓના કારણે નેતાઓ અને અધિકારીઓને મનમાં ને મનમાં કોસી રહયાં છે. નગરપાલિકા સત્તાધીશો વહેલી તકે રસ્તાઓનું રીપેરીંગ કરાવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Tags:    

Similar News