ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધા યોજાય...

ભરૂચમાં કાર્યરત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા શહેરના આંબેડકર ભવન ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Update: 2022-08-30 09:32 GMT

ભરૂચમાં કાર્યરત સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા શહેરના આંબેડકર ભવન ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 જેટલા ભજન મંડળોએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સનાતન ધર્મમાં ભગવાનને અનુલક્ષીને શ્રદ્ધા અને ભાવથી કોઈપણ પદ કે, પદ્ય ગવાય તેને ભજન કહેવાય છે. ભજન એ નવધા ભક્તિનો ભાગ છે. ગુજરાતીઓમાં એવું કહેવાય છે કે, ભોજનમાં ભગવાનની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય છે અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય છે. એમાં જો ઉભુ ભજન ગવાય તો, પ્રભુ ભક્તિમાં રંગત આવી જાય, ત્યારે ભરૂચ શહેરના કણબીવગા વિસ્તારમાં આવેલ આંબેડકર ભવન ખાતે બહેનો માટે ઉભા ભજનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ શહેર તથા જિલ્લાના 17 જેટલા ભજન મંડળોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મહિલાઓએ વિવિધ રંગબેરંગી વેશભૂષામાં સજ્જ ઉભા ભજનની સ્પર્ધામાં ભજનના તાલે ઝૂમી સમગ્ર વાતાવરણ ભક્તિમય બનાવ્યું હતુ. સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન સ્થાપક હેમા પટેલ અને પ્રકાશ પટેલે જણાવ્યુ હતું કે બહેનો માટે આવી સ્પર્ધા ગુજરાતમાં લગભગ પહેલી વખત યોજવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બ્રહ્માકુમારીના રાજયોગના શિક્ષક નિમાદીદી, અમિતાદીદી, વિશ્વ હિન્દુ પરિષદના નગર મંત્રી વિરેન રામજીવાલા, ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભિ તમાકુવાલા, દિક્ષા ફાઉન્ડેશનના દિક્ષા વાણિયાએ હાજરી આપી હતી. આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે ભરૂચના જાણીતા ગાયક સંદિપ પુરાણી અને સંગીત વિશારદ જશુ પટેલે સેવા આપી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાનના પ્રમુખ ઉષા સિધ્ધપુરા અને કમલ શાહે ભાગ લેનાર સૌ બહેનોને અભિનંદન પાઠવ્યા હતા.

Tags:    

Similar News