ભરૂચ : લગ્નપ્રસંગે બહાર ગયેલા ટંકારીયાના પરિવારનું બંધ મકાન ચઢ્યું તસ્કરોના નિશાને, રૂ. 30 લાખથી વધુના મતાની ચોરી

ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી

Update: 2024-04-21 11:00 GMT

રૂચ જિલ્લાના ટંકારીયા નજીક પાદરીયા રોડ પર રહેતો પરિવાર લગ્ન પ્રસંગ અર્થે બહારગામ ગયો હતો, ત્યારે તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂ. 30 લાખથી વધુના માલમતાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ટંકારીયાના પાદરીયા રોડ પર રહેતા ઇરફાન લાર્યા તેઓના પરિવાર સાથે ગતરોજ સવારે આછોદ લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યારબાદ તેઓ ટંકારીયા પરત ફર્યા હતા, અને ગામમાં પણ એક લગ્ન પ્રસંગ હોય ત્યાં ગયા હતા, તે વેળા સાંજના 6 વાગ્યાથી 9 વાગ્યાના સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ તેઓના નિવાસના પાછળના ભાગેથી પ્રવેશી 44 તોલા સોનાના દાગીના તેમજ રૂ. 4.50 લાખથી વધુની રોકડ રકમ મળી કુલ રૂ. 31.50 લાખથી વધુના મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પરિવારના સદસ્યો જ્યારે ઘરે પરત ફર્યા, ત્યારે ઘરમાં બધું વેરવિખેર પડેલું જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘટના સંદર્ભે મકાન માલિકે પાલેજ પોલીસને જાણ કરતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, ઘટનાના પગલે ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ તેમજ LCB પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી છે. ચોરીની ઘટનાને પગલે સમગ્ર ટંકારીયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Tags:    

Similar News