નર્મદા : ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં ચિક્કાર મેદની વચ્ચે યોજાયું કાર્યકર્તા સંમેલન

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે

Update: 2024-03-17 12:17 GMT

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા સહિત હાલમાં જ ભાજપમાં જોડાયેલા આદિવાસી સમાજના દિગ્ગજ નેતા મહેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર-પ્રસાર શરૂ કરી દીધા છે, ત્યારે ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણીના મેદાને આવેલા સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ચિક્કાર મેદની વચ્ચે સંમેલનમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં ભાજપમાં જોડાયેલા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આડકતરી રીતે આપના ઉમેદવાર ચૈતર વસાવાને નવો માણસ ગણાવી વેધક સવાલ કર્યા હતા કે, આ નવો માણસ ક્યાંથી આવ્યો. અમે મનસુખ વસાવાને જંગી મતોથી જીત અપાવીશું. તેઓએ ભાજપમાં જોડાવવા અંગે કહ્યું કે, PM મોદીના વિકાસના કામોના કારણે હું ભાજપમાં જોડાયો છું.

તો બીજી તરફ, ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી. ડેડીયાપાડા વિસ્તારમાં તેઓએ પ્રજાને ભરમાવી વિધાનસભા જીતી ગયા. આજે મારે એટલે બોલવું પડ્યું કે, ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. ચૈતર વસાવાએ સેસન્સ કોર્ટમાં નર્મદામાં પ્રવેશ અંગે કોર્ટમાં અરજી કરી, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ આ અંગે જણાવ્યું હતું કે, મેં પણ એવું ઈચ્છું છું કે તેમના તમામ કેસ વાઇંડપ થઈ જાય, ચૈતર વસાવા એલફેલ બોલશે તો કોર્ટ હજુ એન્ટ્રી નહીં આપે. આ સાથે જ આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશુ અને આપના સુપડા સાફ કરીશું તેવી મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Tags:    

Similar News