ભરૂચમાં નર્મદા નદીના નીર ઉપર આવેલ ગ્રહણને દૂર કરવા “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા યોજાશે આજે મહા આરતી

Update: 2019-05-18 08:46 GMT

ભારત રાષ્ટ્રની પવિત્ર માનવામાં આવતી નદીઓમાં સરસ્વતીના નીરથી ૩ દિવસે, યુમુનાના નીરથી ૭ દિવસે તેમજ ગંગાના સ્નાનથી પવિત્ર થવાય છે. જ્યારે નર્મદા નદીના દર્શન માત્રથી જ પવિત્ર થવાય છે. પરંતુ ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી માં નર્મદા તેની નિર્મળતા અને બંન્ને કાંઠે ખળખળ વહેતા અવિરત પ્રવાહ પર માનવ સર્જિત ગ્રહણની પરિસ્થિતી સર્જાઈ રહી છે.

જેના ભાગરૂપે તા. ૧૮/૦૫/૨૦૧૯ના રોજ સાંજે ૭ કલાકે ભરૂચના ધોળીકુઇ બજાર સ્થિત બરાનપુરા-ખત્રીવાડમાં આવેલ અશોક આશ્રમ ખાતે “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા મહા આરતીનો વિશેષ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે ભરૂચવાસીઓ મોટી સંખ્યામાં મહા આરતીમાં હાજર રહે તેમજ માં નર્મદાના નીરને ફરીથી વહેતા કરે તેવા સંકલ્પ સાથે “માં રેવા નિર્મલ પ્રવાહ સમિતિ” દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

નર્મદા નદીના કિનારે વસેલું ભરૂચ શહેર કે જ્યાં વર્ષોથી માં નર્મદા અહીના સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન છે, ત્યારે હાલ પાણી માટે વિકટ પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈ ખેડૂતો, માછીમારો તેમજ ઉધ્યોગકારો દ્વારા રાજ્ય સરકારમાં અવાર નવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. પરંતુ હાલ સુધી રાજ્ય સરકાર દ્વારા આ બાબતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, ફક્ત સમીક્ષા બેઠકો કરી આશ્વાશનો આપવામાં આવ્યા છે. જો આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો નર્મદા નદી માત્ર ઈતિહાશના પાનાઓમાં જ જોવા મળશે.

Similar News