બોલિવૂડ એક્ટર કાદર ખાનનું ૮૧ વર્ષની જૈફ વયે કેનેડામાં નિધન

Update: 2019-01-01 06:04 GMT

અભિનેતા કાદર ખાનનું આજે વહેલી સવારે કેનેડાની હોસ્પિટલમાં નિધન થયું છે. કાદર ખાનના દીકરા સરફરાઝ ખાને આ વિશે ખુલાસો કર્યો છે. કોમેડિયન અને લેખક કાદર ખાન છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને છેલ્લાં ૧૫-૧૬ અઠવાડિયાથી કેનેડાની હોસ્પિટલમાં દાખલ હતા.

કાદર ખાનના દીકરા સરફરાઝે તેમના નિધનની પુષ્ટી કરી છે. સરફરાઝે પીટીઆઈને જણાવ્યું કે, અમારા પિતા અમને છોડીને જતા રહ્યા છે. કેનેડાના ટાઈમ પ્રમાણે ૩૧ ડિસેમ્બરે સાંજે ૬ વાગે તેમનું નિધન થયું છે. તેઓ ઘણાં સમયથી બીમાર હતા. કાદર ખાન હોસ્પિટલમાં એડ્મિટ હતા ત્યારે ગઈ કાલે બપોરે કોમામાં જતા રહ્યા હતા. સરફરાઝે જણાવ્યા પ્રમાણે, તેમનો આખો પરિવાર કેનેડામાં જ છે અને તેથી કાદર ખાનના અંતિમ સંસ્કાર પણ કેનેડામાં જ કરવામાં આવશે.

કાદર ખાનનો જન્મ ૨૨ ઓક્ટોબર ૧૯૩૭માં અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેઓ ઈન્ડો-કેનેડિયન મૂળના હતા. કાદર ખાને 300થી વધારે ફિલ્મમાં કામ કર્યું છે અને ૧૯૭૦ થી ૮૦ના દાયકામાં તેઓ પ્રખ્યાત સ્ક્રીનરાઈટર પણ રહ્યા હતા. કાદરખાને ફિલ્મોમાં એન્ટ્રી કરી તે પહેલાં તેઓ સિવિલ એન્જિનિયર કોલેજમાં પ્રોફેસર હતાં. કાદર ખાને ફિલ્મ કરિયરમાં ઘણી અલગ અલગ પ્રકારની ભૂમિકા નીભાવી છે. તેમને કોમેડિની સાથે સાથે નેગેટિવ રોલમાં પણ એટલાં જ પસંદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, કાદર ખાન એક વર્સેટાઈલ એક્ટર હતા. તેઓ એક્ટર હોવાની સાથે સાથે ડિરેક્ટર, સ્ક્રીન રાઈટર અને કોમેડિયન પણ હતા. તેમણે ૨૫૦થી વધારે ફિલ્મોમાં ડાયલોગ્સ લખ્યા હતા. તેમની ડેબ્યૂ ફિલ્મ દાગ હતી, જે ૧૯૭૩માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં કાદર ખાન સાથે રાજેશ ખન્ના પણ હતા.૧૯૭૪માં ફિલ્મ રોટી માટે તેમણે ડાયલોગ્સ લખ્યા હતા અને તે માટે રાજેશ ખન્ના અને મનમોહન દેસાઈએ તેમને ૧.૨૧ લાખ રૂપિયાની ફી આપી હતી. જે તે સમયે ખૂબ વધારે માનવામાં આવતી હતી.

Similar News