દાહોદ : ભથવાડા ટોલનાકા નજીકથી અફીણના જથ્થા સાથે 2 શખ્સો ઝડપાયા, રૂ. 27.60 લાખનો મુદ્દામાલ જપ્ત

Update: 2020-10-29 08:19 GMT

ગુજરાતમાં નશાબંદી થમવાનું નામ નથી લેતી, ત્યારે આવનાર દિવસોમાં તહેવારો ટાણે ગુજરાતમાં ઘુસેડવામાં આવતો નશાના કારોબારને રોકવા માટે પોલીસ દિવસ રાત કામ કરી રહી છે, ત્યારે બાતમીના આધારે દાહોદ SOG પોલીસ અને દેવગઢ બારીયા પોલીસે ભથવાડા ટોલનાકા નજીકથી લાખો રૂપિયાની કિંમતનો અફીણનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દાહોદ SOG પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાની 3 ઈસમો કારમાં અફીણનો જથ્થો લઈને ભથવાડા ટોલનાકા ઉપરથી પસાર થવાના છે, ત્યારે બાતમીના આધારે દાહોદ SOG પોલીસે દેવગઢ બારીયા પોલીસને સાથે રાખી વોચ ગોઠવી હતી. ભથવાડા ટોલનાકા ઉપરથી બાતમીવાળી કાર દેખાતા તેને રોકી અંદર તલાશી લેતા કારમાં મૂકી રાખેલો 24.45 કિલો વજન ધરાવતો અફીણનો જથ્થો મળી આવ્યો હતો. અફીણના જથ્થાની કિંમત રૂપિયા 24.45 લાખનું હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે રાજસ્થાનના 3 ઈસમોમાંથી એક ઈસમ ભાગવામાં સફળ રહ્યો હતો, ત્યારે 2 આરોપીઓની દાહોદ SOG અને દેવગઢ બારીયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દાહોદ SOG પોલીસ અને દેવગઢ બારીયા પોલીસે અફીણ તેમજ કાર સહીત કુલ કિંમત રૂપિયા 27.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીઓને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. જોકે આ નશા કારોબારનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવાતો હતો, તેની તપાસમાં હાલ દાહોદ SOG પોલીસ જોતરાઈ છે.

Tags:    

Similar News