ડાંગ : જુઓ, અંગારા પર નૃત્ય સાથે બળતા લાકડા ખાઈને આદિવાસીઓમાં રહેલું ડુંગર દેવની પૂજાનું “અનેરું” મહત્વ

Update: 2020-11-30 07:58 GMT

ડાંગ જિલ્લામાં  આદિવાસીઓમાં ડુંગર દેવની પૂજા જે સમગ્ર વર્ષ દરમ્યાન મહત્વની પૂજા માનવમાં આવે છે. આ પારંપારિક પૂજા ફક્ત ભાયા એટલે કે, પૂજારી દ્વારા જ માગશરની પૂનમ પહેલા 15થી 20 દિવસના ગાળામાં કરવામાં આવે છે. જુઓ અમારો વિશેષ અહેવાલ... “અનોખી ભક્તિ”

ડાંગ જિલ્લામાં  ડુંગર દેવને પ્રસન્ન રાખવા માટે સ્થાનિક આદિવાસીઓ દ્વારા ભાયા રાખવામાં આવે છે. ભાયા કરવા માટે ડુંગર દેવનો પુજારી હોય છે. ડુંગરની સ્થાપના જે ઘરે હોય ત્યાં આ ભાયા રહે છે. જેને ડાંગી ભાષામાં શિરભાયા કહે છે. ડુંગર દેવની પૂજા કરનાર ભાયાને દિવસમાં ફક્ત એક વાર જમવાનું હોય છે. તો સાથે જ મોડી રાત સુધી પૂજા માટે નાચવાનું, કૂદવાનું હોય છે. વારા આવવાનું પ્રમાણ વધી જાય તો આખી રાત પણ ભાયાને જાગતા રહેવું પડે છે. વાર આવેલા ભક્તોની સારવાર પણ ભાયાએ જ કરવી પડે છે. ભાયા વખતે ભગવતો ધૂણે છે. તેને ડાંગી ભાષામાં વારો આવે એમ કહેવામાં આવે છે. જેથી વારો આવતાં જ દેવનું નામ લેવાનું શરૂ કરે છે. જેને વારો આવ્યો હોય તે ડુંગર દેવના નામે રોપેલા સ્તંભ પાસે જઈ તેની ફરતે નાચવા લાગે છે, જ્યારે તેમની સંખ્યા વધી જાય, ત્યારે ઢોલ અને પાવરી વાદ્ય વગાડવામાં આવે છે. તેમજ બેઠેલ પુરુષો પણ ત્યાં આવી તાલબદ્ધ નાચવા લાગે છે. જેને ડાંગી ભાષામાં સુડ પડ્યો એમ કહેવામાં આવે છે. ભાયા કાર્યક્રમમાં ડુંગર દેવના નામથી નારા બોલાવે છે. જોકે કહેવાય છે કે, ભૂતનો વારો આવે ત્યારે તે વ્યક્તિ બળતા લાકડા ખાઈને ભભકતા અંગારા પર નાચે છે. આ વખતે તેઓને કોઈ ભાન હોતું નથી. સળગતા અંગારાની પણ તેના પર કોઈ અસર થતી નથી. અને વારો આવે, ત્યારે ભગતના માર્ગદર્શન મુજબ જ વર્તવું પડે છે.

ડુંગર દેવની પૂજા દરમ્યાન ભાયા નાચ વખતે પાવરી સાથે ઢોલનો પણ તાલ હોય છે. ઢોલના તાલ પર જ ભાયા નૃત્ય થાય છે. ડુંગર દેવની રમત ફક્ત એક ગામ માટે મર્યાદિત હોતી નથી. આ રમત રમવા માટે બહાર ગામથી કેટલાય ભગતો આવે છે. જેને પવન આવતો હોય એવા રમતવીરો પણ ભાયા રમવા આવે છે. ભાયાની સ્થાપનાના બીજા દિવસે બધા જ ભાયાએ સવારે વહેલા ઉઠી નદીએ ઠંડા પાણીમાં સ્નાન કરવા જવાનું હોય છે. ત્યાર બાદ બીજા ગામમાં આ રમત રમવા જવાનું હોય છે. બીજા ગામે ભાયાઓ ઘરે ઘરે જઈને નૃત્ય કરી ગીતો ગાય છે, ત્યારે તેમને નવું અનાજ આપવામાં આવે છે. નવા અનાજ પર ભગતની બરકત ઉતારવામાં આવે છે. ભાયા ગામે ગામ ફરીને ડુંગર ઉપર જાય છે. ત્યાં માવલી પણ હોય છે. આ માવલીના નજીક આખી રાત ભાયા નૃત્ય થાય છે.

ડાંગી આદિવાસીઓમાં ડુંગર દેવનું મહત્વ ઘણું છે. ડુંગર દેવની પૂજા બે રીતે કરવામાં આવે છે. એક તો ડુંગરદેવ રાખનારના ઘરે કોઈ બીમાર હોય અને એ બીમારીનું કારણ જો માવલીકોપી હોય એવું ભગત દ્વારા બતાવવામાં આવે ત્યારે અને બીજું, ઘરમાં ધન-દોલત અનાજ-પાણી સારું હોય ત્યારે પ્રસન્ન થઈ તે વ્યક્તિ ફક્ત દેવીનો આભાર માની આનંદ મેળવવા માટે ભાયા રાખે છે. ડાંગ જિલ્લામાં ડુંગરદેવની પૂજા અત્યંત મહત્વની પૂજા ગણાય છે. આ પૂજામાં ફક્ત પુરુષો જ ભાગ લઈ શકે છે. જ્યારે ભાયા થાય છે, ત્યારે સ્ત્રીઓ દીવા લઈને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે. ડાંગી આદિવાસીઓ માટે ડુંગર દેવની પૂજા એક અનોખી શ્રદ્ધાનો પ્રસંગ માનવમાં આવે છે.

Tags:    

Similar News