લગ્ન કરવા ઇચ્છુક યુવક-યુવતીઓ માટે જુલાઇ મહિનામાં છે છ શુભમુર્હુત

Update: 2021-06-29 07:56 GMT

સાંપ્રત સમયમાં ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે લગ્નપ્રસંગોની મોજ ફીકી પડી ગઇ છે. લગ્નપ્રસંગમાં માત્ર 50 માણસોને જ સામેલ કરવામાં આવે તેવી સરકારની ગાઇડલાઇન છે. આગામી જુલાઇ મહિનામાં લગ્ન કે અન્ય શુભ પ્રસંગો યોજવા માટે 6 શુભમુહુર્ત આવી રહયાં છે. જુલાઇ મહિનામાં લગ્ન નહિ કરનારાઓએ ત્યાર બાદ ચાર મહિના સુધી રાહ જોવી પડશે.

કોરોનાના કારણે અનેક લોકોએ તેમના લગ્ન અને શુભ પ્રસંગો અટકાવી રાખ્યાં છે. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થાય તો પોલીસ વરરાજા તેમજ લગ્નના આયોજકો સામે જાહેરનામાના ભંગનો ગુનો નોંધી રહી છે. અત્યાર સુધીમાં લગ્નપ્રસંગમાં જાહેરનામાના ભંગના અનેક ગુનાઓ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ ચુકયાં છે. જુન મહિનાનું છેલ્લુ સપ્તાહ ચાલી રહયું છે અને જુલાઇ મહિનાનો પ્રારંભ થવા જઇ રહયો છે ત્યારે અમે લગ્ન ઇચ્છુક યુવક-યુવતીઓ તથા તેમના પરિવારજનો માટે ઉપયોગી માહિતી લઇને આવ્યાં છીએ. 20 જુલાઈએ દેવશયની એકાદશીએ ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં જતા રહેશે. ભગવાન આ મુદ્રામાં ચાર મહિના સુધી રહેશે.

આ ચાર મહિનાના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ દિવસોમાં ભગવાનના સૂઈ જવાને કારણે લગ્ન સહિત અનેક શુભ કાર્યો પર પ્રતિબંધ રહેશે. પછી 15 નવેમ્બરના રોજ કારતક મહિનાની એકાદશીએ ભગવાન યોગ નિદ્રામાંથી જાગશે. આ દિવસે દેવ પ્રબોધિની એકાદશી પર્વ હોવાની સાથે જ લગ્નની શરૂઆત થઈ જશે. હવે વાત કરીએ જુલાઇ મહિનાના શુભમુહુર્તની તો જુલાઈમાં 1, 2, 7, 13, 15 તારીખે લગ્ન કરવાનો શુભસમય છે. આ ઉપરાંત 18 જુલાઈના રોજ ભડલી નોમનું વણજોયું મુહૂર્ત રહેશે. 

Tags:    

Similar News