દેવતાઓના શિલ્પી ગણવામાં આવે છે ભગવાન વિશ્વકર્મા,જાણો આ દિવસનું શું છે મહત્વ

આજ રોજ શનિવાર અને પિતૃ પક્ષ તિથી ચાલી રહ્યો છે ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિશ્વકર્માની જયંતી ઊજવવામાં આવે છે.

Update: 2022-09-17 05:50 GMT

આજ રોજ શનિવાર અને પિતૃ પક્ષ તિથી ચાલી રહ્યો છે ત્યારે 17 સપ્ટેમ્બરના રોજ ભગવાન વિશ્વકર્માની જયંતી ઊજવવામાં આવે છે. તેમની જન્મ તિથિને લઈને મતભેદ હોવાથી વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતી ઊજવવામાં આવે છે. ઉત્તર ભારતમાં ફેબ્રુઆરી અને દક્ષિણ ભારતમાં સપ્ટેમ્બરમાં વિશ્વકર્મા જયંતી ઉજવાય છે.

ભગવાન વિશ્વકર્મા દેવતાઓના શિલ્પકાર છે. શિલ્પકાર એટલે એન્જીનિયર. દેવી-દેવતાઓના ભવન, મહેલ, રથ, હથિયારોનું નિર્માણ વિશ્વકર્મા જ કરે છે. જાણો વિશ્વકર્માજીના થોડાં ખાસ નિર્માણ કર્યા.

વાલ્મીકિ રામાયણ મુજબ, સોનાની લંકાનું નિર્માણ વિશ્વકર્માએ જ કર્યુ હતું. પૂર્વકાળમાં માલ્યવાન, સુમાલી અને માલી નામના ત્રણ પરાક્રમી રાક્ષસ હતા. તે એક વખત વિશ્વકર્મા પાસે ગયા અને કહ્યું કે તમે અમારા માટે એક વિશાળ તથા ભવ્ય નિવાસનું નિર્માણ કરો. ત્યારે વિશ્વકર્માએ તેમને જણાવ્યું છે કે દક્ષિણ દિશામાં દરિયાકિનારે ત્રિકૂટ નામનું એક પર્વત છે, ત્યાં ઇન્દ્રની આજ્ઞાથી મેં સ્વર્ણ નિર્મિત લંકા નગરીનું નિર્માણ કર્યું છે. તમે ત્યાં જઈને રહો. આ રીતે લંકામાં રાક્ષસોનું આધિપત્ય થઈ ગયું.

વિશ્વકર્માના પુત્રએ બનાવ્યો હતો દરિયા પર પુલ. ભગવાન શ્રીરામના આદેશ પર દરિયામાં પત્થરોથી પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. રામસેતુનું નિર્માણ મૂળ રૂપથી નલ નામના વાનરે કર્યું હતું. નલ શિલ્પકળા એન્જિનિયરિંગ જાણતો હતો કારણ કે તે દેવતાઓના શિલ્પી વિશ્વકર્માનો પુત્ર હતો. પોતાની આ જ કળાથી તેણે દરિયા પર સેતુનું નિર્માણ કર્યું હતું. વાનરોને દરિયા પર પુલ બનાવવામાં કુલ 5 દિવસનો સમય લાગ્યો હતો.

દ્વાપર યુગમાં જરાસંઘ સતત શ્રીકૃષ્ણને મારવા માટે મથુરા ઉપર આક્રમણ કરી રહ્યા હતા. શ્રીકૃષ્ણ દર વખતે તેને પરાજિત કરી દેતા હતાં, પરંતુ મથુરાની સુરક્ષા માટે શ્રીકૃષ્ણએ વિચાર્યું કે તેમણે પોતાની નગરી અહીંથી કોઈ દૂર સ્થાને વસાવવી જોઈએ, જેથી મથુરાના લોકો સુરક્ષિત રહી શકે. ત્યારે તેમણે દ્વારકા નગરી વસાવવાની યોજના બનાવી. શ્રીકૃષ્ણએ વિશ્વકર્માને દ્વારકા નગરી વસાવવાનું કામ સોપ્યું હતું.

શ્રીમદભાગવત મુજબ, દ્વારિકા નગરીનું નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું હતું. તે નગરીમાં વિશ્વકર્માના વિજ્ઞાન વાસ્તુશાસ્ત્ર તથા શિલ્પકળાની નિપુણતા પ્રકટ થતી હતી. દ્વારિકા નગરીની લંબાઈ-પહોળાઈ 48 કોસ હતી. તેમાં વાસ્તુશાસ્ત્ર મુજબ મોટા-મોટા રોડ, ચાર રસ્તા અને શેરીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

જે લોકો નિર્માણ કાર્ય સાથે જોડાયેલાં છે, તેમના માટે આ મોટું પર્વ છે. નિર્માણ કાર્ય જેમ કે, ઘર બનાવવું, ફર્નીચર બનાવવું, કારખાનું ચલાવનાર, શિલ્પકાર વગેરે. આ લોકો વિશ્વકર્મા જયંતીનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. આ દિવસે ભગવાનની પ્રતિમા ઉપર પંચામૃત ચઢાવવું જોઈએ. હાર-ફૂલથી શ્રૃંગાર કરવો જોઈએ. સિઝનલ ફળ અને મીઠાઈનો ભોગ ધરાવવો જોઈએ. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરી અને આ દિવસની ઉજવણી અને વિશ્વકર્માદેવને યાદ કરવામાં આવે છે.

Tags:    

Similar News