ગીર સોમનાથ : વેરાવળમાં ભાલકા તીર્થથી ભાજપના પ્રચારનો પ્રારંભ

Update: 2021-01-28 08:13 GMT

ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ પાસેના ભાલકા તીર્થ ખાતે આહિર સમાજ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દેતા સન્માન સમારોહ ચૂંટણીસભામાં પરિવર્તિત થઈ ગયો હતો.

રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી મહિનાની અંતિમ તારીખોમાં મતદાન યોજાશે. જેને લઈને રાજકીય પક્ષો સક્રિય થઈ ગયા છે. અને પ્રચાર પ્રસાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ભાલકા તીર્થ મંદિરના પરિસરમાં ભાજપે ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.

ખરેખર ભાલકા તીર્થ ખાતે ગીર સોમનાથ જિલ્લા આહીર સમાજ દ્વારા ભાજપમાં નવનિયુક્ત પ્રદેશ અને જિલ્લાના હોદ્દેદારોનો સન્માન સમારોહ રખાયો હતો. જેમાં જિલ્લાના ભાજપના આગેવાનોનું અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત ડાંગર, પ્રદેશ મંત્રી રઘુભાઈ આહિર, ઝવેરી ઠકરાર, પ્રદેશ પાર્લામેંટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રમુખ માનસિંગ પરમાર સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું. સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં જીલ્લાભરમાં થી આહીર સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સમાજના લોકોનો જમાવડો જોઈ ભાજપના આગેવાનોએ ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો હતો અને સન્માન સમારોહમાં પ્રચારની તકની ઝડપી લીધી હતી. વેરાવળની ભાલકા તીર્થની ભૂમિપરથી ભાજપે આહિર સમાજને ભાજપના પક્ષમાં મતદાન કરવા આહ્વાન કર્યું હતું. દરમિયાન 2017 વિધાનસભા ચૂંટણીમાં આહિર સમાજની અવગણના ભાજપને ભારે પડી હોવાનો પર્લામેન્ટરી બોર્ડના સદસ્ય અને સાંસદ રાજેશ ચુડાસમાએ જાહેર મંચ પરથી એકરાર કર્યો હતો. જોકે, નવા સંગઠનમાં આહીર સમાજને નોંધપાત્ર પ્રતિનિધિત્વ આપી ભાજપે ભૂલ સુધારી હોવાની વાતથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આહીર સમાજના સૂચક સન્માન સમારોહથી કોંગ્રેસમાં સન્નાટો ફેલાયો છે.

Tags:    

Similar News