અમરેલી : સાવરકુંડલા-મહુવા બાયપાસ માર્ગ પર પડ્યા ભ્રષ્ટાચારના ગાબડાં, કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ..!

રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.

Update: 2023-06-24 12:58 GMT

નથી વરસાદ કે, નથી લાંબો સમય વિત્યો છતા સાવરકુંડલામાં અમરેલી-મહુવા રોડને જોડતા બાયપાસ માર્ગ પર ઠેર-ઠેર ગાબડાઓ પડ્યા છે. માત્ર 4 મહિના પહેલા શરૂ થયેલ બાયપાસ રોડ જે અમરેલી, રાજુલા, પીપાવાવ, મહુવા તરફ જાય છે, તે રોડ હાલ અત્યંત બિસ્માર બન્યો છે. બાયપાસ રોડ પર મસમોટા ગાબડા જોવા મળી રહ્યા છે. બાયપાસ રોડ બનાવવા છેલ્લા 15 વર્ષથી સાવરકુંડલા વાસીઓની જંખના પર થોડા મહિના પહેલા જ બાયપાસ રોડ ખુલ્લો મુકાયો હતો. પણ રોડ-રસ્તાના કામો એટલે જાણે ભ્રષ્ટાચારીઓ માટે નાણા રળવાનું સૌથી સરળ સાધન હોય તેવું સાવરકુંડલાનો બાયપાસ રોડ પ્રતીતિ કરાવી રહ્યો છે.

જોકે, આ રોડ પરથી પીપાવાવ અને મહુવા તરફ જવા મોટા કન્ટેનરો પસાર થાય છે. સતત વાહનો પસાર થવાના કારણે આ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે. બાયપાસ રોડમાં ગાબડા પડી જતા વાહનચાલકો સહિત રાહદારીઓ પરેશાન છે. હજુ ચોમાસુ બેઠું નથી ત્યાં આ બાયપાસ રોડ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલક જો સહેજ પણ નજર ચુકે તો ગંભીર અકસ્માત સર્જાય તેવી સ્થિતિ સર્જાય શકે તેમ છે. હદ એ વાતની છે કે, આ તુટેલા રસ્તાની મરામત કરવાની કોઇપણ દરકાર લેવાતી નથી. સાવરકુંડલાનો બાયપાસ અંદાજે રૂ. 25 કરોડ ઉપરાંતની રકમનો બન્યો છે. અગાઉ રૂ. 22 કરોડ જેવી રકમથી 10 કિલોમીટરનો બાયપાસ રોડ તૈયાર થયા બાદ રેલ્વે ફાટકમાં અલગથી સરકાર દ્વારા રૂ. 7 કરોડ જેવી ગ્રાન્ટ ફાળવાઇ હતી, જ્યારે રેલ્વે ફાટક નજીક રોડ તૈયાર થયો અને 4-5 મહિના પહેલા લોકાર્પણ થયેલા આ માર્ગમાં ખાડા પડતા કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલો ઉભા થયા છે.

Tags:    

Similar News