બનાસકાંઠા : પુરખોની ખેતી પદ્ધતિ તરફ વળ્યા આજના આધુનિક ખેડૂત

ધરતીપુત્રોએ કર્યા પરંપરાગત ખેતીના શ્રી ગણેશ, જૂની ખેતી પદ્ધતિ દ્વારા ખેડૂતોએ શરૂ કરી ખેતી.

Update: 2021-07-14 12:16 GMT

બનાસકાંઠા જિલ્લામાં લાંબા ઇન્તજાર બાદ મેઘરાજા મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશીની હેલી જોવા મળી રહી છે, ત્યારે મેઘરાજાએ મહેર કરતા અષાઢી બીજના દિવસથી જ ખેડૂતોએ ખેતીના શ્રી ગણેશ કર્યા છે.

આમ તો હાલ આધુનિક યુગ ચાલી રહ્યો છે. નવી નવી ટેકનોલોજીના કારણે હવે ખેતી કરવી પણ સરળ બની છે. પરંતુ ખેતીમાં હવે જુના દ્રશ્યોની ઝાંખી થાય તો મનને પણ ગમી જાય. તેવી જ રીતે, બનાસકાંઠા જિલ્લામાં મેઘ મહેર થતા ખેડૂતોએ અષાઢી બીજના દિવસે બળદની પૂજા અર્ચના કરી શુભ મૂહરતે ખેતીના શ્રી ગણેશ કર્યા છે. હળ, ગાડું અને બળદની ધાર્મિક રીતરિવાજ મુજબ પરંપરાગત પૂજા અર્ચના કરી શ્રી હરીનું નામ લઈ ખેતરમાં ખેતીની શરૂઆત કરી છે, ત્યારે આ દ્રશ્યો જ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવી જાય છે. બનાસકાંઠાની ભાષામાં ખેડૂતો દ્વારા હળોતરા કહેવામાં આવે છે.

એક તરફ બનાસકાંઠામાં કોઈ મોટા ઉધોગ નથી, તો બીજી તરફ સરહદી જિલ્લો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. હાલ મોંઘવારીએ સતત માઝા મૂકી છે. ખેડૂત માટે ખેડ ખાતર અને બિયારણનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. ત્યારે, બનાસકાંઠાના ખેડૂત હવે બાપ-દાદાના સમય મુજબ બળદ અને હળ જોડીને ખેતી કરવા તરફ વળ્યા છે. સમય બદલાઈ રહ્યો છે, પરિવર્તન સંસારનો નિયમ છે. ખેતી ક્ષેત્રે પણ બહુ પરિવર્તન આવ્યા છે, પરંતુ આ પરિવર્તનમાં બહુ ખર્ચ હોવાથી દરેકને પોષાય એમ પણ નથી. જેથી જૂની પરંપરાગત ખેતીની પ્રથા આજે પણ અકબંધ છે. બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો અને પશુપાલકોને મોટી ચિતા હતી. પરંતુ 2 દિવસથી મેઘમહેર થતાં ખેડૂતોએ પણ કુદરતનો આભાર માની ખેતીની શુભ શરૂઆત કરી છે.

Tags:    

Similar News