ભાવનગર : યોગાચાર્ય દ્વારા લેખિત યોગા પુસ્તકનું શિક્ષણ મંત્રીના હસ્તે વિમોચન કરાયું

આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર કરવામાં આવી છે

Update: 2021-11-08 12:45 GMT

રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આપણી પુરાતન ધરોહર એવી યોગ વિદ્યાની વિરાસત આજે જન-જન સુધી પ્રસરી ચૂકી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાનના પ્રયત્નોને કારણે આજે યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી છે. ભાવનગર ખાતે યોગાચાર્ય ગોપાલજી દ્વારા લેખિત યોગા પુસ્તકનું વિમોચન કરતા તેમણે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ભારત અનેક વિદ્યાઓમાં પારંગતતા ધરાવતો હતો. સમગ્ર વિશ્વ તેનું અનુકરણ કરતુ હતું, તેનું ઉત્તમ ઉદાહરણ યોગ વિદ્યા છે. કોરોના સમયે આપણને યોગ, આસન, પ્રાણાયામ વગેરેની મહત્તા સમજાઈ છે.

પોપ્યુલર પ્રકાશનના માલિક સુધીર શિવાનંદ ગોકડે જણાવ્યું હતું કે, પોપ્યુલર પ્રકાશન દ્વારા ધોરણ ૧થી ૮ ના વિદ્યાર્થીઓ માટે યોગનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં યોગ, યોગાસન અને સ્પોર્ટ્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તેની અંદર સામાન્ય જ્ઞાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જેથી વિદ્યાર્થીઓને ભવિષ્યની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારીઓ માટે ઉપયોગી બની શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સાત વર્ષ પહેલા પણ યોગા વિશે પુસ્તક તૈયાર કર્યું હતું. આ તેનું સુધારેલું સંસ્કરણ છે. આ પુસ્તકમાં યોગ વિશેની માહિતી ગોપાલજી દ્વારા અને સામાન્ય જ્ઞાન વિશેની માહિતી ડો. સોનાલી અને શેફાલી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક વિમોચન પ્રસંગે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્ર ત્રિવેદી તથા ગણમાન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News