ભાવનગર : વિઘ્નહર્તાના સર્જન બાદ પોતાના જ વિઘ્ન દૂર કરવા માટે પ્રાર્થના કરતાં મૂર્તિકારો

ગણપતિ પ્રતિમાઓના વેચાણ માટે મૂર્તિકારોએ નાખ્યા તંબુ, મારવાડથી મૂર્તિકારો આવી ચલાવી રહ્યા છે પોતાનું ગુજરાન.

Update: 2021-09-07 08:25 GMT

ગણપતિ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં સરકારની ગાઈડલાઈન અનુસાર, 3થી 4 ફૂટની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. જોકે, આ વર્ષે પણ ઘરાકી નહીં મળતા મૂર્તિકારોની હાલત અત્યંત કફોડી બની છે.

છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે ભાવનગર શહેરમાં ગણપતિની પ્રતિમાઓ બનાવી વેચાણ કરતા પરિવારોની હાલત કફોડી બની છે. જોકે, રાજ્ય સરકાર દ્વારા ગણેશ મહોત્સવને ઉજવવા માટે છૂટ આપવામાં આવી છે, ત્યારે હાલ અનલોકમાં પણ મૂર્તિકારોને ગ્રાહક મળી રહ્યા નથી.

દર વર્ષે અત્યાર સુધીમાં 50 ટકા ધંધો થઈ જાય છે. પરંતુ હાલ બજારમાં કોઈ ગ્રાહક જોવા મળતા નથી, ત્યારે કારીગરો હવે વિઘ્નહર્તાના સર્જન બાદ તેના જ પાસે પોતાનું વિઘ્ન દૂર કરવા પ્રાર્થના કરી રહ્યા છે. વ્યાજે રૂપિયા લાવીને જીવન ચલાવતા મૂર્તિકારો પાસે હાલ મુર્તિને કલર કરવાના પૈસા પણ નથી રહ્યા. આ સાથે જ ખાવા-પીવા માટેના પણ પૂરતા રૂપિયા ન હોવાથી સરકાર મૂર્તિકાર પરિવારોને રાહત આપે તેવી માંગ ઉઠવા પામી છે.

ભાવનગર ખાતે રાજસ્થાનના મારવાડ તરફથી આવીને આશરે 30થી 35 વર્ષ પહેલાં વસેલા મૂર્તિકારો મૂર્તિઓ બનાવી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ કોરોના કાળના 2 વર્ષમાં આ પરિવારોની હાલત અત્યંત કફોડી બની છે. ગયા વર્ષે કોરોનાના કારણે લોકડાઉન હોવાથી મૂર્તિઓ બનાવી શક્યા ન હતા. જોકે, આ વર્ષે મૂર્તિઓ તો બનાવી છે, પરાંત હજી સુધી જોઈએ એવી મૂર્તિઓનું વેચાણ થયું નથી.

રાજ્ય સરકારે અમદાવાદના કારીગરોને ટ્રેનિંગ અને લાયસન્સ પણ આપ્યા છે, ત્યારે ભાવનગરના મૂર્તિકારોએ આક્ષેપા કર્યો છે કે, તંત્ર દ્વારા આજદિન સુધી અહીના મૂર્તિકારો માટે આવું કોઈપણ આયોજન કરાયું નથી.

Tags:    

Similar News