ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ અપાયુ

ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

Update: 2023-06-07 08:17 GMT

ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે ત્યારે રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ એલર્ટ આપવામાં આવ્યું છે

તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાત પર ફરી વાવાઝોડાની ‘આફત’ આવે તેવી શક્યતા સેવાઇ રહી છે. ગુજરાતના દરિયાકાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતથી 1120 કિમી દૂર અરબી સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઇ છે. આ સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવાઝોડામાં 170 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને લઈને ગુજરાતનું નેવી અને વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બાંગ્લાદેશે આ વાવાઝોડાને ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. હાલ આ સિસ્ટમ પોરબંદરથી 1110 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 1030 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કરાંચીથી 1410 કિમી દક્ષિણ કેન્દ્રિત છે. સંભવિત વાવાઝોડાંની સ્થિતિના પગલે તકેદારીના ભાગરૂપે કચ્છના કંડલા, મુન્દ્રા સહિતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવાયું છે. હજુ વાવાઝોડું ગુજરાતના કાંઠે આવશે કે પછી ફંટાઈ જશે તે સ્પષ્ટ નથી. હવામાન વિભાગ આ સિસ્ટમની હિલચાલ પર સતત નજર રાખી રહ્યું છે. ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Tags:    

Similar News