ડાંગ : આહવા કોલેજના NSSના સ્વયંસેવકો દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને રસીકરણ અંગે જાગૃત કરાયા

Update: 2021-06-16 10:46 GMT

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે, તથા પ્રજાજનોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે વેક્સિનેશન જ અસરકારક છે, ત્યારે ડાંગ જિલ્લામા પણ શ્રેણીબદ્ધ જનજાગૃતિ કાર્યક્રમોના સથવારે અસરકારક રસીકરણ તરફ તંત્ર પ્રયાસ કરી રહ્યુ છે. તાજેતરમાં આહવા સ્થિત આર્ટ્સ અને કોમર્સ કોલેજના એન.એસ.એસ.ના સ્વયંસેવકો મારફત રસીકરણ અંગેની સાચી સમજ ગ્રામ્ય કક્ષા સુધી પહોંચાડવાનો એક સ્તુત્ય પ્રયાસ હાથ ધરાયો હતો.

આરોગ્ય વિભાગના આર.સી.એચ.ઓફિસર ડો. સંજય શાહે યુવાનો સાથે સંવાદ સાધતા વેક્સિનેશન બાબતે ગ્રામ્ય કક્ષાએ પ્રવર્તતી જુદી જુદી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓ વિગેરે બાબતે હકીકતલક્ષી જાણકારી પુરી પાડી, ગ્રામજનોને વેળાસર રસી મળી જાય તેવા હકારાત્મક પ્રયાસો કરવાની તેમને અપીલ કરી હતી. કોરોનાનો મક્કમતાપૂર્વક સામનો કરવો હશે તો રસીકરણ જ છેવટનો ઉપાય છે, તેમ પણ તેમણે ભારપૂર્વક જણાવ્યુ હતું. દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ ડો. યુ.કે.ગાંગુર્ડે, અને ડો. જગદીશ ચૌહાણે કોરોનાને કારણે ઉદ્દભવેલા પડકારો, અને તેને નિવારવાના ઉપાયો અંગે વિસ્તૃત છણાવટ કરી યુવાનો મારફત ગ્રામિણજનો સુધી સાચી જાણકારી પહોંચશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ વેળા વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડો. એ.જી.ધારીયા સહિત એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. પ્રશાંત વાડીકર, ગાઢવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો. કિંજલ પટેલ અને તેમની ટિમ, કોલેજના પ્રાધ્યાપકો, એન.એસ.એસ.ના સ્વયસેવકો વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. દરમિયાન ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓ પૈકી ૧૨ યુવાનોએ સ્થળપર જ વેક્સિન લઈ અન્યોને પણ પ્રેરણા પુરી પાડી હતી.

Tags:    

Similar News