જુનાગઢ : બેલા ગામ નજીકનો કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાયો, 32 ગામના લોકોને ભારે હાલાકી..!

બેલા ગામ ખાતે આવેલ કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાઈ જતાં આસપાસના આશરે 32 જેટલા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

Update: 2023-08-10 09:04 GMT

જુનાગઢ જિલ્લાના બેલા ગામ ખાતે આવેલ કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાઈ જતાં આસપાસના આશરે 32 જેટલા ગામના લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

જુનાગઢ જિલ્લાના બેલા ગામ કે, જયાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જળ સિંચાઈ યોજના એટલે કે, ઓઝત-2 બાદલપુર જળ સિંચાઇ યોજના આવેલી છે. આ યોજના હેઠળ આવેલ કોઝ-વે છેલ્લા 8 વર્ષથી સંપૂર્ણપણે ધોવાઈ જતાં આશરે 32 જેટલા ગામોને તેની સીધી અસર થઈ રહી છે. તઅહીંના ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બાદલપુર ગામના સરપંચ હરસુખ ડોબરીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2016-17થી આ કોઝ-વે તૂટેલી હાલતમાં છે, અને આ મામલે અવાર-નવાર જુનાગઢ જિલ્લા કાર્યપાલક ઇજનેરને પણ રજૂઆત કરી હોય અને આને ગ્રાન્ટ પણ લગભગ પાંચેક વર્ષ પહેલા રૂ. 3.80 કરોડ જેટલી મંજૂર થયેલ હોય, ત્યારે અધિકારીઓ દ્વારા આ કામ પ્રગતિમાં હોવાનું જણાવવામાં આવે છે. પરંતુ અહીં કોઈપણ પ્રકારનું કામ આગળ વધતું નથી. તો બીજી તરફ, આસપાસના 32 ગામોને આ કોઝ-વે જોડતો હોય, ત્યારે આસપાસના ગામડાઓના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મુખ્ય મથક કહી શકાય તેવા એક જ ગામ એટલે બિલખા ખાતે જવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે સત્વરે આ કોઝ-વેને ફરીથી નવો બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

તો બીજી તરફ, બેલા ગામના ગ્રામજન રાઘવજી સાંકળીયાએ જણાવ્યું હતું કે, આ કોઝ-વેની સમસ્યાને લઈ જુનાગઢ જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય સહિતના અધિકારીઓને રજૂઆતનો અમારો આ પ્રશ્ન ખૂબ જૂનો છે, ત્યારે ગતિશીલ સરકાર દ્વારા કઈ ગતિએ કામ શરૂ કરવામાં આવ્યું છે કે, જે હજુ સુધી કામ પૂર્ણ થયું નથી તેમજ માત્ર કામ ન કરતા વાતોના વડા થતા હોવાની સાથે સાથે લોકો દ્વારા આ કામ અંગે જ્યારે પણ પૂછપરછ કરવામાં આવે છે, ત્યારે આ કામના ટેન્ડર પ્રક્રિયામાં હોવાનું અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે. તો બીજી તરફ, ગ્રામજનો પણ એવો આક્ષેપ કરી રહ્યા છે કે, ટેન્ડર પ્રક્રિયામાં છે તો તે એવી કઈ પ્રક્રિયામાં છે કે કામ હજુ બાકી છે. ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષથી પોતાની રીતે કોઝ-વેની નજીક પોતાની મેળે ડાયવર્ઝન કાઢી રસ્તો બનાવી ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ તે રસ્તો પણ હાલ સંપૂર્ણપણે ધોવાઈ જતા 32 જેટલા ગામોને જોડતો આ કોઝ-વે સમારકામની રાહ જોઈ રહ્યો છે.

જોકે, હાલ ચોમાસાની સિઝનમાં ગ્રામજનોએ બેલાથી બાદલપુર જવું હોય કે, બાદલપુરના લોકોને બેલા આવવું હોય તો કમર સુધીના પાણીમાં રસ્તો પસાર કરવો પડે છે, જ્યારે ઉચ્ચ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓને જાણે 6 મહિનાનું વેકેશન પડી જતું હોય તેવું બને છે. કારણ કે, બેલા ગામમાં ધોરણ 1થી 4 સુધીની જ સ્કૂલ આવેલી છે, અને ધોરણ 5થી ઉચ્ચ અભ્યાસ અર્થે કોઝ-વેની સામેં કિનારે આવેલ બાદલપુર ખાતે જવું પડે છે. એક તરફ સરકાર શિક્ષણને વેગ આપવાની વાતો કરી રહી છે. તો બીજી તરફ, આ ગામના વિદ્યાર્થીઓ પણ શિક્ષણથી વંચિત રહેતા હોય, તેવામાં સરકાર દ્વારા સત્વરે આ સમસ્યામાંથી ગ્રામજનોને મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.

Tags:    

Similar News