સાબરકાંઠા : ભવાનગઢ ગામે યોજાયું “અનોખું બેસણું”, ગૌદાન અને 5 હજાર પરિવારને અયોધ્યા દર્શનનો સંકલ્પ કરાયો...

ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Update: 2023-12-29 07:02 GMT

સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ઘર પરિવાર અને ગામમાં દુઃખનો માહોલ હોય છે. પરંતુ સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભવાનગઢ ગામે એક અનોખું બેસણું યોજાયું હતું. પરિવારમાં પિતાનું અવસાન થતાં અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ભવાનગઢ ગામે મંડપમાં પ્રવેશતા ફોટોગ્રાફ્સ જોઈને તમને લાગશે કે, આ કોઈ લગ્ન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. પણ ના, અહીં ભવાનગઢના રાજવી પ્રવિણસિંહ કુંપાવતનું બેસણું યોજાય રહ્યુ છે. ગત તા. 18 ડિસેમ્બરના રોજ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે તેમનું અવસાન થયું, ત્યારે તેમના પરિવારે તેઓ હંમેશા આનંદમાં જીવન વ્યતિત કર્યું હોવાથી તેમનું બેસણું પણ એવી જ રીતે ગોઠવવાનું નક્કી કર્યું અને તેમને ફોટોગ્રાફીનો શોખ હોવાના કારણે તેમના પાડેલા ફોટોનું કલેક્શન બેસણામાં રજૂ કરવામાં આવ્યું હતું. જાણે કે કોઈ લગ્ન પ્રસંગ યોજાય રહ્યો હોય તેવા દ્રશ્યો બેસણામાં જોવા મળ્યા હતા. અત્યાર સુધીમાં ન જોવાયેલ બેસણું આજે ઈતિહાસનું સાક્ષી બન્યું છે.

જોકે, અનોખા બેસણામાં બીજો પણ એક આવકાર્ય નિર્ણય લેવાયો હતો. જેમાં આગામી તા. 22 જાન્યુઆરી બાદ 5 હજાર પરીવારને અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરના દર્શને લઈ જવા અને 100 ગાયોનું જરૂરીયાતમંદોને દાન કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે, ત્યારે બેસણામાં હાજર તમામ સમાજના અગ્રણીઓએ આ નિર્ણયને આવકાર્યો હતો. અનોખી રીતે યોજાયેલ બેસણામાં રાજપુત સમાજ સહિત અને રાજકીય નેતાઓ પણ શ્રદ્ધાંજલી આપવા ઉપસ્થિત હતા. સામાન્ય રીતે વર્ષોથી ચાલી આવતી પરંપરા બદલીને આ પરિવારે એક નવો ચીલો ચીતર્યો છે, ત્યારે ગૌદાન કરવા અને 5 હજાર પરિવારને અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ મંદિરના દર્શન કરાવવાની પરિવારની પહેલને સમાજે આવકારી છે.

Tags:    

Similar News