સુરેન્દ્રનગર : માત્ર 1,350 રૂ.ની ઉઘરાણી બાબતે લીંબડીમાં વેપારી ભાઈઓ પર છરી વડે હુમલો કરી હુમલાખોર ફરાર

લીંબડી શહેરના સરોવરીયા ચોક પાસે સિઝનેબલ વસ્તુનો વેપાર કરતા વેપારી ભાઈઓ ઉપર 1,350 રૂ.ની ઉઘરાણી કરવા બાબતે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો.

Update: 2022-06-08 07:26 GMT

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના સરોવરીયા ચોક પાસે સિઝનેબલ વસ્તુનો વેપાર કરતા વેપારી ભાઈઓ ઉપર 1,350 રૂ.ની ઉઘરાણી કરવા બાબતે શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલ વેપારીઓને સારવાર અર્થે લીંબડી પછી સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જેમાંથી એક વેપારીને ગંભીર ઈજા હોવાથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોર ફરાર થઈ ગયો હતો. પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, લીંબડી શહેરની મુખ્ય બજારમાં સરોવરીયા ચોક પાસે સિઝનેબલ વસ્તુનો વેપાર કરતા હાર્દિક નટુભાઈ ખાંદલા અને તેમના નાનાભાઈ ચિરાગ દુકાને હાજર હતા. ત્યારે રમેશ શિવાભાઈ પરમાર ત્યાં આવી પહોંચ્યો હતો. બાકી પૈસાની ઉઘરાણી કરવા બાબતે બન્ને વેપારીઓને અપશબ્દો કહી ઝઘડો શરૂ કરી દીધો હતો. રમેશે વેપારી હાર્દિકના પેટમાં છરી ઘોપી દીધી. ચિરાગ મોટાભાઈ હાર્દિકને બચાવવા વચ્ચે પડ્યો તો રમેશે તેના પર છરી વડે હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ઘાયલ વેપારીઓને સારવાર અર્થે લીંબડી અને ત્યાંથી સુરેન્દ્રનગર ખસેડાયા હતા. જ્યાં હાર્દિકની તબિયત લથડતા વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે ફરાર હુમલાખોરની શોધખોળ અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી હતી. ભર બજારમાં વેપારીઓ પર થયેલા હુમલાની ઘટનાને લઈને વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 2 મહિનામાં લીંબડીમાં 2 વેપારીઓ પર હુમલા થયા છે. 2 વેપારીઓની દુકાનોમાં તોડફોડ થઈ ચૂકી છે. પોલીસ દ્વારા શહેરમાં ફુટ પેટ્રોલીંગ કરાતું નથી. પોલીસનો ડર નહીં હોવાથી લુખ્ખા અને આવરા તત્ત્વો બેખોફ અને બેફામ બની ગયા છે. લીંબડીમાં કડક પીએસઆઈની જરૂર છે. ઘટનાને પગલે ભાવિ આયોજન માટે રાત્રે અમે વેપારી મંડળની બેઠક બોલાવવાની છીએ. ગુનેગારને પકડવામાં ઢીલી નીતિ દેખાય તો પોલીસ વિરુદ્ધ પણ આવેદન આપીશું. જરૂર જણાશે તો લીંબડી બંધનું એલાન પણ અપાશે. બાકી હવે આવારા અને લુખ્ખા તત્વોનો ત્રાસ સહન કરવાની અમારી સહનશક્તિ પુરી થઈ ગઈ છે. 

Tags:    

Similar News