૨૨મી માર્ચ વિશ્વ જળ દિવસ,નર્મદા કાંઠે વસેલા ગામનાં લોકોનાં જ પાણી માટે વલખા.

Update: 2016-03-22 07:41 GMT

નર્મદા નદીમાં જળ સ્તર ઘટતા પાણીમાં ખારાસ પણ વધી.

૨૨મી માર્ચ વિશ્વ જળ દિવસ, જળ દિનની ઉજવણી આમતો કોઈ ખાસ રીતે કરવામાં નથી આવતી. પરંતુ પાણી બચાવો તો સૃષ્ટી બચશે તેવા શ્ર્લોગન થકી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે. ૨૪ કલાક મીઠા પાણીથી તરબોળ રહેતા લોકોને જયારે એક દિવસ પાણીની કટોતી સર્જાય તો તેઓ ધુંવાપુંવા થઈ જાય છે. તો વિચારો કે જે વસ્તી નદી કિનારે રહેતી હોય અને ત્યાંનાં જ લોકો મીઠા પાણી માટે વલખા મારવા પડે તો? આ પ્રશ્ન ભવિષ્યમાં સર્જાવાની પાણીની ગંભીર સમસ્યા અંગે ચેતવણી આપી રહ્યો છે.

ભરૂચમાંથી વહેતી નર્મદા નદીનું જળસ્તર ઘટવાનાં કારણે નદીનાં પાણી ખારા થઈ રહયા છે અને હાંસોટ – દહેજ પાસે સમુદ્ર અને નદીનું મિલન સ્થળ છે, તેથી નદીમાં પાણી ઘટવાના કારણે દરિયાનું પાણી નદીમાં ભળવાથી નદીનાં પાણીમાં ખારાસ વધી હોવાનું લોકો માની રહયા છે.ભરૂચ જીલ્લાનું ભાડભુત ગામ કે જે મત્સ્ય ઉદ્યોગથી ધમધમતું હતુ અને આ ગામમાં મોટાભાગની વસ્તી માછીમારોની હોવાથી વર્ષે કરોડો રૂપિયાનો મત્સ્ય ઉદ્યોગનો વેપાર માછીમારો કરતા હતા, પરંતુ નદીનાં જળસ્તર ઘટતા અને પાણી ખારૂ થતા હવે તેની માઠી અસર નદીમાં મત્સ્ય ઉછેર પર પણ પડી રહી છે.

નર્મદા નદીના કિનારે એટલે કે ટાપુ જેવા કહી શકાય તેવા ગામો કોયલી, આલીયાબેટ સહિતનાં ગામનાં લોકોએ પણ મીઠા પાણી માટે અન્ય ગામના પાણીના સ્ત્રોત પર નિર્ભર રહેવું પડે છે,અને પંચાયતની પાણી વ્યવસ્થા કે પછી હેન્ડપંપ ખેંચીને પાણી ભરીને પોતાનાં રહેણાંક પર લઈ જવામાં આવે છે.

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં નહીં આવતા નદીનાં જળ સ્તર ઘટી રહયા હોવાનું કહેવાય છે, જયારે કચ્છ સૌરાષ્ટ્ર સુધી નર્મદાનું પાણી મોકલવામાં આવ્યુ છે ત્યારે બીજી તરફ ભરૂચ માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે, વર્તમાન પરિસ્થિતી પરથી સમજી શકાય કે પાણી માટેની આજ આવી છે તો આવનાર સમય કેવો હશે?

Tags:    

Similar News