બિહારના ઔરંગાબાદમાં છઠ પુજા દરમિયાન સિલિન્ડરમાં થયો બ્લાસ્ટ, 30 થી વધુ લોકો દાઝ્યા

Update: 2022-10-29 05:11 GMT

બિહારના ઔરંગાબાદમાં ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ થયાનો કિસ્સો સામે આવ્યો છે. સિલિન્ડર ફાટવાને કારણે દર્દનાક અકસ્માત પણ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ સિલિન્ડર બ્લાસ્ટના કારણે 30થી વધુ લોકો દાઝી ગયા છે અને તેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે. નગર પોલીસ સ્ટેશન વિસ્તારના શાહગંજ વિસ્તારના વોર્ડ નંબર 24માં શનિવારે વહેલી સવારે લગભગ 2.30 વાગ્યે આ ઘટના બની હતી. અનિલ ગોસ્વામીના ઘરે છઠના તહેવારની તૈયારી ચાલી રહી હતી અને પરિવારના તમામ સભ્યો પ્રસાદ બનાવવામાં વ્યસ્ત હતા. એ સમયે જ આગ લાગી હતી અને તેને ઘરના સિલિન્ડરને ચપેટમાં લીધા હતા. ગેસ લીક થવા લાગ્યો હતો અને આગ ઝડપથી ફેલાવવા લાગી હતી. ત્યાં હાજર કેટલાક લોકોએ આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા પણ આગ વધુ તીવ્ર બની હતી.

પડોશીઓ એ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું. એ સમયે જ આગની જ્વાળાઓ ધીમે ધીમે વધી રહી હતી અને એ બાદ અચાનક ઘરમાં વિસ્ફોટ થયો હતો. આ કારણે 30થી વધુ લોકો દાઝી ગયા અને અમુક ગંભીર રીતે ઘાયલ થયા હતા. હાલ ઘાયલ લોકોની ઔરંગાબાદ સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Tags:    

Similar News