અહો આશ્ચર્યમ ! માયાનગરી મુંબઈમાં નો કિસીંગ ઝોન પણ છે !

ખુલ્લેઆમ કિસિંગને વાંધાજનક ગણાવતાં પોતાની કોલોનીના ગેટ પર NO KISSING ZONEનું બોર્ડ લગાવી દીધું છે.

Update: 2021-08-02 12:25 GMT

મુંબઈની એક સોસાયટીએ ખુલ્લેઆમ કિસિંગને વાંધાજનક ગણાવતાં પોતાની કોલોનીના ગેટ પર NO KISSING ZONEનું બોર્ડ લગાવી દીધું છે. આસપાસના રસ્તા પર પણ NO KISSING ZONE લખી દીધું છે. સોસાયટીએ આ બોર્ડ મૂકવા પાછળ ખુલ્લેઆમ થઈ રહેલી અશ્લીલતાને જવાબદાર ઠેરવી છે.

સોસાયટીના લોકોનું કહેવું છે કે લોકડાઉનના સમયથી જ કેટલાંક કપલ્સ તેમની સોસાયટીની નજીકના રસ્તા પર આવવા લાગ્યાં હતાં. ઘણાં કપલ્સ રસ્તા પર જ એકબીજાને કિસ કરતાં હતાં. આ બાબત તેમને વાંધાજનક લાગતી હતી. મામલો બોરીવલીની સત્યમ શિવમ સુંદરમ સોસાયટીનો છે. સોસાયટીના લોકોનું કહેવું છે કે ખુલ્લેઆમ કિસિંગ યોગ્ય નથી. સોસાયટીના લોકોને મોટે ભાગે પોતાની આંખો બંધ કરીને સોસાયટીમાં એન્ટ્રી કરવી પડતી હતી. અહીંના લોકોને આ વાત યોગ્ય લાગતી નહોતી.


આ બાબતથી પરેશાન થઈને સોસાયટીએ ગેટની બહાર NO KISSING ZONE એમ લખ્યું હતું. એ પછીથી અહીં કપલ્સનું આવવાનું ઓછું થઈ ગયું છે. સોસાયટીના એક સભ્યએ સૌથી પહેલા રસ્તાની નજીક કપલ્સને કિસ કરતાં જોયું હતું. તેમણે એનો વીડિયો બનાવીને સ્થાનિક કોર્પોરેટર અને પોલીસને મોકલ્યો. જોકે કોઈ કાર્યવાહી ન થઈ. એ પછી સોસાયટીના સભ્યોએ ચર્ચા-વિચારણા કરીને પોતે જ આ અંગે નિર્ણય કર્યો.સોસાયટીના ચેરમેન અને એડવોકેટ વિનય અનસુરકારનું કહેવું છે કે અમે લોકો કપલ્સની વિરુદ્ધ નથી. જોકે અમે તેમની હરકતોની વિરુદ્ધ છે. આવું અમારા ઘરની સામે થઈ રહ્યું હતું. સોસાયટીમાં ઘણાં બાળકો અને વૃદ્ધ રહે છે. પોલીસે કોઈ કાર્યવાહી કરી નહિ, જ્યારે સાર્વજનિક જગ્યાઓ પર અશ્લીલ હરકત કરવા પર સજાની જોગવાઈ છે.

Tags:    

Similar News