ખેડા : 20 વર્ષ અગાઉ ડાકોરના રણછોડરાય મંદિરમાંથી કરી હતી દાગીનાની ચોરી, યુપીથી આરોપી ઝડપાતા ભક્તોમાં ખુશી

Update: 2020-10-21 07:56 GMT

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દાગીના ચોરીના 20 વર્ષ જુના પ્રકરણમાં પોલીસને આખરે મુખ્ય સુત્રધાર સુધી પહોચવામાં સફળતા મળી છે. આ શખ્સ જે તે સમયે ભગવાનના દાગીનાની રખેવાળી કરતાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. પરંતુ જુગારની લતમાં દેવુ વધી જતાં તેણે દાગીના ચોરી કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના દાગીના ચોરીના 20 વર્ષ જુના પ્રકરણમાં પોલીસે મુખ્ય સુત્રધારની ધરપકડ કરી છે. જેમાં આરોપી રાજેન્દ્ર રાજપત તિવારી ઉર્ફે નંને ઉત્તરપ્રદેશના જોનપુરમાંથી પોલીસના હાથે ઝડપાયો છે. રાજેન્દ્ર તિવારી ભગવાન રણછોડરાયજીના દાગીનાની રખેવાળી કરતાં અધિકારી તરીકે ફરજ બજાવતો હતો. આ શખ્સ પત્તાં અને આંકડાના જુગારનો અઠંગ ખેલાડી હતો. ગુનાહિત માનસિકતા ધરાવતો રાજેન્દ્ર તિવારી પોતાની ફરજ ચુક્યો અને ભક્તોએ શ્રધ્ધા અને અસ્થાથી પ્રભુને અર્પણ કરેલા દાગીનાની ચોરી કરી હતી. જોકે જુગારની લતમાં ધીરધારના ધંધાર્થીઓને ત્યાં 1.2 કિલોના દાગીના ગીરવે મૂકી મેળવેલી રકમ પણ જુગારમાં જ હારી ગયો હતો, ત્યારે લેણદારોની ઉઘરાણી અને જુગારમાં સતત હારથી ત્રસ્ત આ શખ્સ 4થી ડિસેમ્બર, 2001થી ડાકોર છોડી ભાગી ગયો હતો. ડાકોર મંદિરના મેનેજર દ્વારા પોલીસ મથકે તેના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી.

સમગ્ર મામલે ડાકોર પોલીસે બાતમીના આધારે રાજેન્દ્ર તિવારીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડ્યો હતો, ત્યારે નામદાર જોનપુર કોર્ટમાં રજુ કરી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીને ડાકોર પોલીસ મથકે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે 20 વર્ષે ઠાકોરજીનો ગુનેગાર પકડાતા શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રણછોડરાયજીના ભક્તો શ્રીજીપ્રભુને કળિયુગના સાક્ષાત જાગતા દેવ તરીકે પૂજે છે. 20 વર્ષ બાદ રાજેન્દ્ર તિવારીનું પાપ કર્મ પાક્યું અને આશરે 1300 કિલોમીટર દૂરથી તે ડાકોર પોલીસના હાથે દબોચાયો છે. ભક્તોમાં એ માન્યતા દ્રઢ થઈ રહી છે કે, શિશુપાલના 99 અપશબ્દો સાંભળી 100મા શબ્દે શિરચ્છેદ કરનાર ડાકોરનો રાજા રણછોડ તેના આરોપી અને ગુનેગારને સજા આપ્યા વિના રહેતો નથી.

Tags:    

Similar News