ખેડા : કોરોના મહામારી વચ્ચે વહીવટી તંત્ર દ્વારા યોજાઇ “સ્પેશિયલ ડ્રાઇવ”, જાણો લોકોમાં કેમ મચી ગયો ફફડાટ..!

Update: 2020-07-07 09:29 GMT

ખેડા જિલ્‍લામાં કોરોના વાયરસ સામે કાળજી સહિત રક્ષણ મેળવવા માટે રાજય સરકારના આરોગ્‍ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબના નિયમોનું ચુસ્‍તપણે પાલન કરાવવા માટે જિલ્‍લા કલેકટર અને જિલ્‍લા પોલીસ અધિક્ષિક દ્વારા સ્પેશિયલ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે.

ખેડા જિલ્‍લામાં કોરોનાની મહામારી વચ્ચે માસ્‍ક નહિ પહેરનારાઓને દંડ ફટકારવા માટે સ્પેશિયલ ડ્રાઇવની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે જિલ્‍લા કલેકટર આઇ.કે.પટેલ અને પોલીસ અધિક્ષિક દિવ્‍ય મિશ્રા પણ આ મુહિમમાં રૂબરૂ જોડાયા હતા. શહેરના સંતરામ મંદિર રોડ, ડુમરાલ બજાર, મઠીચકલા, કંસારા બજાર, અલ્હાદવગા, લખાવાડ, રબારીવાડ થઇ પારસ સર્કલ સુધીના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ થતાં જિલ્લાભરમાં લોકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો.

જિલ્‍લા પોલીસ તંત્રના જણાવ્‍યાનુસાર, ખેડા જિલ્‍લામાં તા. 15 જૂનથી 5 જુલાઇ સુધીમાં કુલ 24,310 નાગરિકો પાસેથી દંડ પેટે રૂપિયા 48,62,000 લાખ જેટલી રકમ વસુલ કરવામાં આવી છે. જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા જિલ્‍લાની જનતાને કોરોનાના સંક્રમણથી બચાવવા માસ્‍ક પહેરીને બહાર નીકળવા અને એકબીજાથી જરૂરી અંતર રાખવા વારંવાર અનુરોધ કરવામાં આવી રહયો છે. જિલ્‍લામાં આરોગ્‍ય વિભાગ અને વિવિધ સંસ્‍થાઓ દ્વારા પણ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જોકે આ માટે પ્રજાજનો જાગૃત થાય અને માસ્‍ક પહેરે તે માટે જિલ્‍લા પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહિ પણ કરવામાં આવી રહી છે. જિલ્‍લામાં કોરોનાનું સંક્રમણ વધે નહિ તે માટે લોકોએ માસ્‍ક પહેરવું ફરજીયાત છે, ત્યારે હવે કોરોના મહામારીની સામે સરળતાથી રક્ષણ મેળવી શકાય તે માટે વહીવટી તંત્ર દ્વ્રારા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

Similar News