સં“ઘર્ષ”ણ : ગણતંત્ર દિવસે જ જવાન અને કિસાન “આમને સામને”

Update: 2021-01-26 14:30 GMT

કૃષિ કાયદાઓનાં વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલીભારે હંગામો જોવા મળ્યો છે. ખેડૂતોનાં શાંતિપૂર્ણ આંદોલનમાં અશાંતિ થી દિલ્લીમાં ઘર્ષણ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. આખરે ખેડૂતોનો સંઘર્ષ કેવી રીતે ઘર્ષણમાં તબદીલ થઈ ગયો..?

રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જવાન પરેડની સામે કિસાન પરેડ દિશાવિહીન થઈ જતાં બંધારણનાં દિવસે દેશને શર્મસાર કરતાં દ્રશ્યો સર્જાયા છે. રાષ્ટ્રીય પર્વની ખુશીનો માહોલ એક પળમાં કેવી રીતે ગમગીન બની ગયો બતાવીશુ આ રિપોર્ટમાં…

દેશ 72માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં લાગ્યો હતો. રાજપથ પર સરકારનો ધ્વજવંદન અને પરેડ કાર્યક્રમ પરંપરાગત રીતે ઉજવાયો હતો. 55 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચીફ ગેસ્ટ વગર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેંદ્ર મોદી અને કેન્દ્રિય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તો દેશના જવાનો દ્વારા પરેડ રજૂ કરવામાં આવી હતી તો બીજી તરફ કેન્દ્રિય કૃષી કાયદાઓનો વિરોધ કરી રહેલા અને છેલ્લા 62 દિવસથી આંદોલન કરી રહેલા ખેડૂતો રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને પોતાના અધિકારો માટે ટ્રેકટર પરેડ સાથે દિલ્લીની સીમાઓ ઓળંગી દિલ્લીમાં રેલી કરી રહ્યા હતા. રાષ્ટ્રીય કક્ષાના ધ્વજવંદન સમારોહની શરૂઆત થાય એ પહેલા ખેડૂતોએ ટ્રેકટરો સાથે પરેડનો પ્રારંભ કરી દીધો હતો. લગભગ ખેડૂતોનાં દાવા મુજબ 50 હજારથી વધુ ટ્રેકટરો રેલીમાં એક કતારમાં નીકળી પડ્યા હતા. સવારથી ચાલી રહેલા રાષ્ટ્રીય સમારોહનાં અંતની જાણે માત્ર રાહ જ જોવાય રહી હોય, બીજી તરફ ખેડૂતોની ટ્રેકટર રેલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

દિલ્લી પોલીસ દ્વારા આપવામાં આવેલ રેલીની મંજૂરી અને રૂટને અવરોધી ખેડૂતો દિલ્લીની સીમાઓમાં બેરીકેડિંગ તોડી પ્રવેશી ગયા હતા. ખેડૂતોનો મોટો સમૂહ પ્રવેશતા માહોલ ગરમાયો હતો. ખેડૂતોને રોકવા પોલીસે આંસુ ગેસ છોડયા તો લાઠી ચાર્જ પણ કર્યો.

લાખોની સંખ્યામાં ખેડૂતો પંજાબ, હરિયાણા અને પાડોશી રાજ્યોમાંથી ટ્રેકટર માર્ચમાં સામેલ થયા છે. કૃષી કાયદાઓ પરત ખેંચવાની માંગને જોર આપવા કિસાન સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીનાં દિવસે જ ટ્રેકટર રેલી યોજવાની જાહેરાત કરવામાં આવી હતી.

62 દિવસથી ખેડૂતો દિલ્લી બોર્ડર પર અડિંગો જમાવી કૃષી કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે. બે મહિના ઉપરાંતનો સમય વીતવા છતા સરકાર અને ખેડૂતો વચ્ચે કોઈ સમાધાન આવી શક્યું નથી. સરકાર કાયદાને લાગુ કરવામાં મક્કમ છે તો ખેડૂતો કોઈ પણ પ્રતાપે કાયદાને રદ કરવાની માંગ પર અડગ છે. સરકાર અને ખેડૂતો વચ્ચેનાં વિવાદનું આંદોલન હવે આક્રમક બની ગયું છે. આંદોલન વધુ જોર પકડે તે માટે ખેડૂત સંગઠનો દ્વારા 26 જાન્યુઆરીનાં રોજ દિલ્લીનાં માર્ગો પર ટ્રેકટર માર્ચની જાહેરાત કરવામાં આવી હતી. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. પરંતુ કોર્ટે પોલીસનાં નિર્ણય પર છોડતા દિલ્લી પોલીસે ટ્રેક્ટર રેલીની મંજૂરી આપી હતી. પાંચ હજાર ટ્રેક્ટરને માર્ચ કરવાનો પરવાનો આપ્યો હતો. પરંતુ ટ્રેક્ટરોનો જમાવડો હજારોમાં થઈ ગયો અને લાખોની સંખ્યામાં ખેડૂતો આવી પહોંચ્યા. સાજ શણગાર અને પૂરતી તૈયારીઓ સાથે ખેડૂતો રેલી કાઢશે અને સંયમતા જાળવશે તેવી કલ્પના… માત્ર કલ્પના રહી ગઈ અને દ્રશ્યો કઇંક જુદીજ હકીકત દર્શાવી રહ્યા છે.

ખેડૂતોની ટ્રેક્ટર રેલીના ઉપદ્રવના દ્રશ્યો ડરામણા છે. એક તરફ પોલીસની લાઠીઓ ખેડૂતો પર વરસી રહી છે તો બીજી તરફ ખેડૂતોના હાથની તલવારો પોલીસ સામે ઉઠી છે. કહી શકાય કે દેશના સૌથી મોટા રાષ્ટ્રીય પર્વના દિવસે જવાન અને કિસાન આમને સામને છે.

આજના મહત્વના દિવસે દિલ્લીના માર્ગો ડરાવી રહ્યા છે. દેશના જવાનો અને દેશના કિસાનો આમને સામને આવી ગયા છે. માત્ર એક ભૂલથી દેશના ધબકારા વધી ગયા છે. ઘર્ષણની શરૂઆત કોને કરી.. તેવા સવાલ વચ્ચે સૌથી પહેલી ભૂલ ખેડૂતોની સામે આવે છે. નક્કી રુટને ઓળંગી ખેડૂતો કેમ આગળ વધ્યા? મંજૂરીનો માર્ગ છોડી અન્ય માર્ગ કેમ પકડ્યો? પોલીસના બેરીકેડિંગ બળજબરી હટાવવાની કેમ જરૂર પડી? આવા અનેક સવાલો ખેડૂતો સામે ઊભા થયા છે.

તો સવાલ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ ઉઠી રહ્યા છે. શું પ્રશાસનને આટલી મોટી સંખ્યામાં ખેડૂતો જમા થશે તેનો અંદાજો ન હતો… જો હતો તો મંજૂરી આપી કેમ? શું પ્રશાસનની પરિસ્થિતીને પહોંચી વળવા આગોતરી વ્યવસ્થા ન હતી? 5 હજાર ટ્રેકટરો સામે 50 હજારથી વધુની સંખ્યામાં ટ્રેકટરો સીમાઓ પર આવી પહોંચ્યા આ ટ્રેકટરો દિલ્લીમાં પ્રવેશ કરશે તેવું અનુમાન ન હતું… અને હતું તો સ્થિતિ વણસી કેવી રીતે..? સહિતના અનેક સવાલો વચ્ચે ખેડૂતોના આંદોલનની વિશ્વાસનીયતા ઘટશે તેવી અનુમાન વ્યક્ત કરાઇ રહ્યું છે.

નવા કૃષિ કાયદા વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ દિલ્હીની 3 બોર્ડરથી ટ્રેક્ટર રેલી શરૂ કરી હતી . ખેડૂતોએ દાવો કર્યો હતો કે તેઓ શાંતિપૂર્ણ પ્રદર્શન કરશે, પરંતુ જ્યારે તેમણે સમય પહેલાં રેલી કાઢી અને પોલીસે તેમને રોક્યા તેઓ ભડકી ગયા હતા. ખેડૂતોએ પોલીસના બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારપછી પોલીસે જે રૂટ આપ્યો હતો તે પણ ખેડૂતોએ ફોલો કર્યો નહીં. ખેડૂતોનો એક જથ્થો લાલ કિલ્લા પર પહોંચી ગયો હતો. જ્યારે એક જથ્થો ઈન્ડિયા ગેટ પર આગળ વધી રહ્યો હતો. બીજી બાજુ ITO પાસે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કર્યો હતો અને ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં ઘણાં પોલીસકર્મી ઘાયલ થયા હતા. હોબાળાને ધ્યાનમાં રાખીને ITO મેટ્રો સ્ટેશનનો ગેટ બંધ કરી દેવાની ફરજ પડી હતી. દિલ્લીનું હ્રદય ગણાતા આઇટીઓ પર સૌથી ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતો દિલ્હી અને ટીકરી બોર્ડર પર જાતે જ બેરિકેડ્સ તોડી દીધા હતા. ગાઝીપુર બોર્ડરથી નીકળેલા ખેડૂતોને પોલીસે નોઈડા પોઈન્ટ પર રોકી લીધા હતા, ત્યાં તેમના પર ટીઅર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. પોલીસનો દાવો છે કે ખેડૂતોએ પાંડવનગર પોલીસ જથ્થા પર ટ્રેક્ટર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસે એવો પણ દાવો કર્યો છે કે નિહંગોએ તલવારથી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

લાલ કિલ્લા પર ખેડૂતોની ચઢામણી કેટલી યોગ્ય?

ખેડૂતો કહેવા માટે તો ટ્રેકટર રેલી કરી રહ્યા હતા. પ્રજાસત્તાક પર્વ પર ખેડૂતોની આ રેલીને ટ્રેક્ટર પરેડનું નામ પણ આપવામાં આવ્યું. દેશ ભરમાં આજના દિવસને લઈને ઉત્સાહ વધ્યો હતો. જ્યાં એક તરફ જવાન હશે તો બીજી તરફ કિસાન… પરંતુ આ જવાન અને કિસાન સામસામે થશે અને પરિસ્થિતી નિયંત્રણ બહાર જશે તેવું કોઈને અનુમાન નહીં હોય… ખેડૂતોની રેલી લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ તરફ આગળ વધી તો પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. બેરીકેડિંગની સખત વ્યવસ્થા હતી… ક્યાંક બસ તો ક્યાંક કન્ટેનર મૂકી ખેડૂતોને રોકવા તૈયારી હતી પરંતુ ખેડૂતોએ બળજબરીથી અંદર પ્રવેશ કર્યો અને લાલ કિલ્લા સુધી પહોંચી ગયા.. સ્વતંત્ર દિવસ પર લહેરાતા રાષ્ટ્રધ્વજની જગ્યાએ કેટલાક ખેડૂતો એ સંગઠનનો ઝંડો ફરકાવવાનો પ્રયાસ કર્યો.. હજારોની સંખ્યામાં ખેડૂતોનો કાફલાએ કિલ્લાને ઘેરી લીધો હતો…

આઝાદ ભારતના આટલા વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વખત દિલ્હીમાં આવા દ્રશ્યો જોવા મળ્યા છે જ્યાં આન બાન શાન સાથે ફરકતા ત્રિરંગા સામે હથિયારધારી આ જ દેશના કેટલાક સામાજિક દ્રશ્યો જોવા મળ્યા હતા. રાષ્ટ્રીય પર્વની ઉજવણી વચ્ચે આજે જે પ્રકારે ખેડૂત આંદોલનનો ઘટનાક્રમ રહ્યો એ ખરેખર શરમજનક કહી શકાય.

Tags:    

Similar News