દેશમાં બીજી વખત એક દિવસમાં 4 લાખથી વધુ કેસ; 24 કલાકમાં 3980 લોકોનાં મોત

Update: 2021-05-06 05:08 GMT

કોરોના સંક્રમણનો તાંડવ ઓછો થતો જોવા નથી મળી રહ્યો. સમગ્ર દેશમાં કોરોનાનો કેર વર્તાઇ રહ્યો છે. દેશમાં બીજી વખત એક જ દિવસમાં ચાર લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 412,262 નવા કોરોના કેસ આવ્યા છે અને 3980 સંક્રમિત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જો કે 3,29,113 લોકો કોરોનાથી સાજા પણ થયા છે. આ અગાઉ 30 એપ્રિલના રોજ દેશમાં 401,993 નવા કેસ સામે આવ્યા હતા. વિશ્વભરમાં દરરોજ આશરે 40 ટકા કેસ ભારતમાં દાખલ કરવામાં આવે છે.

5 મે સુધી દેશભરમાં 16 કરોડ 25 લાખ 13 હજાર 339 કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. ગત રોજ 19 લાખ 55 હજાર 733 રસી આપવામાં આવી હતી. જ્યારે 29 કરોડ 67 લાખથી વધુ પરીક્ષણો અત્યાર સુધી કરવામાં આવ્યા છે. પાછલા દિવસે 19 લાખ કોરોના નમૂનાના પરીક્ષણો લેવામાં આવ્યા હતા, જેનો પોઝિટિવિટી રેટ 21 ટકાથી વધુ છે.

દેશમાં કોરોના મૃત્યુ દર 1.09 ટકા છે જ્યારે રિકવરી રેટ 82 ટકાથી વધુ છે. સક્રિય કેસ વધીને 17 ટકા થયો છે. કોરોના એક્ટિવ કેસમાં ભારત વિશ્વમાં બીજા સ્થાને છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાના સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે યુએસએ, બ્રાઝિલ અને મેક્સિકો બાદ વિશ્વમાં સૌથી વધુ મોત ભારતમાં થયા છે.

દેશ હજી સુધી કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવ્યો નથી, કે ત્રીજી લહેરનો મુદ્દો સામે આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પણ આવશે, પરંતુ ક્યારે તે હમણાં કહી શકાતું નથી. કેન્દ્ર સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર કે વિજય રાઘવાને પોતે સ્વીકાર્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર પણ આવશે અને તેને રોકી શકાય નહીં.

Similar News