નવસારી : કોન બનેગા કરોડપતિના નામે આવ્યો ફોન, એવું તો શું થયું કે યુવાનને કરવો પડયો આપઘાત

Update: 2021-03-12 12:08 GMT

તમારા ઉપર કોન બનેગા કરોડપતિ કે અન્ય લોભામણી સ્કીમના નામે ફોન આવે તો છેતરાશો નહિ. સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નવસારીના ખેરગામના યુવાનને આપઘાત કરવાનો વારો આવ્યો છે.

નવસારીના ખેરગામના યુવાનને કોન બનેગા કરોડપતિના નામથી ફોન આવ્યાં બાદ 25 લાખ રૂપિયા મેળવવા જતાં યુવાને 1.39 લાખ રૂપિયા ગુમાવી દેતાં આખરે તેને આપઘાત કરી જીવનલીલા સંકેલી લેવી પડી છે. ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભુખે ન મળે. વર્તમાન સમયમાં સોશિયલ મિડીયાની બોલબાલા છે ત્યારે સાયબર ક્રાઇમની સંખ્યામાં પણ વધારો થયો છે. ફોન કે મેસેજના નામે લોકોને છેતરપીંડી કરતી ગેંગના સભ્યો 24 કલાક ફોન અને મેસેજ કરતાં રહે છે અને તેમાં કોઇ વ્યકતિ ફસાઇ જાય તો તેના બેંક બેલેન્સને જીરો કરી નાંખી ટોળકી પોતાના ખિસ્સા ભરી લેતી હોય છે. નવસારીના ખેરગામમાં રહેતાં યુવાનના મોબાઇલ પર કોન બનેગા કરોડપતિના નામથી ફોન આવ્યો હતો અને ઠગોએ તેને 25 લાખ રૂપિયાનું ઇનામ લાગ્યું હોવાનું જણાવ્યું હતું.

સાંપ્રત સમયમાં 25 લાખ રૂપિ્યા નાનીસુની રકમ નથી. યુવાન પણ ઠગોની વાતમાં આવી ગયો હતો. બસ પછી તો સાયબર ક્રાઇમના મહારથીઓએ યુવાનને જાળમાં એવો ફસાવ્યો કે 25 લાખ રૂપિયા મેળવવા જતાં તેણે 1.39 લાખ રૂપિયા વિવિધ બેંકના ખાતાઓમાં જમા કરાવી દીધાં હતાં. નિરલ હળપતિ 25 લાખ મેળવવાની લ્હાયમાં દેવું કરતો ગયો અને કરતો ગયો અને આખરે તે દેવાના ડુંગર નીચે દબાઇ ગયો.. પોતે છેતરાયો હોવાનો અહેસાસ થતાં અને લોકોને રૂપિયા પરત આપી નહિ શકે તે નકકી થઇ જતાં નિરલ હળપતિએ ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે.

ગઠિયાઓની જાળમાં માછલીની જેમ ફસાયેલાં નિરલ હળપતિએ વૃક્ષ સાથે ફંદો બનાવી આપઘાત કરી લેતાં અનેક લોકોના નાણા સલવાય ગયાં છે. તો બીજી તરફ તેની ગર્ભવતી પત્ની અને પરિવારજનોના માથે દુખનો ડુંગર તુટી પડયો છે. નિરલની ચિત્તા હજી ઠંડી નથી પડી ત્યાં ગઠિયાઓએ રૂપિયાની ઉઘરાણી ચાલું રાખી છે હજી તેના ફોન પર રૂપિયા માટે ફોન આવી રહયાં છે. સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો માનવીનું કેટલી હદ સુધી બ્રેઇન વોશ કરી નાંખે છે તે આ કિસ્સા પરથી લાગી રહયું છે. લાખો રુપિયા મેળવવાની લાલચમાં ભોળા લોકો લાખો રૂપિયા ગુમાવી દેતાં હોય છે ત્યારે આપણે સૌએ આવા ફ્રોડ ફોન કોલથી સાવચેતી રાખવાની જરૂર છે.

Tags:    

Similar News