કોરોના વાયરસ : સંક્રમણના કારણે ગેરહાજર રહેનારા શ્રમયોગીઓનો પગાર નહી કપાય

Update: 2020-03-22 08:31 GMT

વિશ્વભરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉનની સ્થિતિ ઉદભવી છે ત્યારે ભારત સરકારે પણ શ્રમયોગીઓ તથા ખાનગી સંસ્થાઓના માલિકો તેમજ કારખાનેદારો માટે માર્ગદર્શિકા બહાર પાડી છે.

ભારત સરકારના શ્રમ મંત્રાલય તરફથી જણાવ્યા અનુસાર કોરના વાયરસની કષ્ટદાયી પરિસ્થિતિમાં શ્રમિકોને નોકરીમાંથી દુર કરવા કે પગાર વગર રજા પર રહેવા માટેની ફરજ પાડવામાં આવે તેવી શકયતાઓ વધી છે. આવા સંજોગોમાં જાહેર તથા ખાનગી સંસ્થાના માલિકો અને કારખાનેદારોએ તેેઓની સંસ્થા અથવા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ અને કર્મચારીઓને ખાસ કરીને રોજમદાર તેમજ કોન્ટ્રાકટના કર્મચારીઓને નોકરી ઉપરથી દુર નહિ કરવા કે તેમના પગારમાં ઘટાડો નહી કરવા આદેશ કરવામાં આવે છે.

આ ઉપરાંત શકય હોય તેટલા કર્મચારીઓ ઘરેથી કામ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી તેમજ તેમને લેપટોપ અથવા ટેબલેટની સુવિધા આપવા સહિતનો એકશન પ્લાન સંસ્થાઓ બનાવી શકે છે. વધુમાં કોઇ શ્રમયોગી કે કર્મચારી કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયો હોય કે આ મહામારી સંલગ્ન અન્ય કારણોસર જો 15મી એપ્રિલ સુધી ગેરહાજર રહે તો તેમની હાજરી ગણવી અને પગારમાં કોઇ કપાત ન કરવા માટે કે તેઓની છટણી ન કરવા આદેશ કરવામાં આવ્યો છે. મહામારીના સંજોગોમાં કારખાનું કે સંસ્થા બંધ રાખવાના સંજોગો ઉભા થાય તો તે સમય માટે કર્મચારીઓ અને શ્રમયોગીઓને હાજર ગણી પગાર કપાત ન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Similar News