પંચમહાલ: સરકારની સંવેદનશીલ પહેલ, સોનલ યોગ્ય શિક્ષણ મેળવી શકશે તેવો થયો વિશ્વાસ

Update: 2019-12-03 12:42 GMT

“કાન નીચેથી પસાર થતી નસ સુકાઈ જવાના કારણે તમારી બાળકી સાંભળી

શકતી નથી અને તેથી તેના કારણે બોલી પણ નહીં શકે.” વ્હાલી

દિકરી સોનલ માટે ડોક્ટરે કાલોલના ભીમસિંહ રાઠવા અને તેમના પત્ની ગીતાબેનને આમ

જણાવ્યું ત્યારે તેમના માથે જાણે આભ તૂટી પડ્યું હતું.

પંચમહાલના કાલોલ તાલુકાના પરૂણા ગામના વતની ભીમસિંહ રાઠવા જણાવે છે કે સોનલ

અમારી બીજા નંબરની પુત્રી છે. જન્મ બાદ અવાજ પ્રત્યે કોઈ પ્રતિક્રિયા આપતી ન

હોવાથી તેને અમે ગોધરાની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ગોધરા સિવિલ અને વડોદરાના

ડોક્ટરોએ જણાવ્યું કે એક નસ સુકાઈ જવાની ખામીના કારણે તે સાંભળી શકતી નથી અને

સાંભળી ન શકવાના કારણે તેની બોલવાની ક્ષમતા પણ વિકસી શકે તેમ નથી. પહેલી ચિંતા

અમને સોનલના ભવિષ્યની થઈ તેમ ભીમસિંહ રાઠવાએ ભારે અવાજે જણાવ્યું હતું.     

ભીમસિંહ રાઠવા અને તેમના પત્ની બંને દિવ્યાંગ છે અને સાતેક વીઘા જેટલી જમીનમાં

ખેતી કરીને ગુજરાન ચલાવે છે. બંનેની ઈચ્છા પોતાના સંતાનોને સારૂં શિક્ષણ આપવાની

હતી. પરંતુ સોનલના કિસ્સામાં તે ઈચ્છા પૂરી કરવા આડે આ અવરોધ આવ્યો. સોનલને પણ

તેમણે સ્થાનિક પ્રાથમિક શાળામાં ભણવા તો મૂકી પરંતુ સામાન્ય બાળકોની જેમ શિક્ષણ

લેવામાં તેને તકલીફ નડી રહી હતી. એવામાં તેમને ગોધરાની ગાંધી બહેરા મૂંગા વિદ્યાલય

વિશે જાણવા મળ્યું. ભીમસિંહ રાઠવા જણાવે છે કે શાળા વિશે પ્રથમ વાર સાંભળીને નવાઈ

લાગી હતી કે બહેરા-મૂંગા બાળકો માટે ઈશારાની ભાષામાં વાતચીત કરી શકે તેવા શિક્ષકો

ધરાવતી કોઈ અલગ શાળા પણ હોઈ શકે. શિક્ષકો સાથેની વાતચીતથી વિશ્વાસ બેસતા ધોરણ-૩ થી

તેમણે સોનલને આ શાળામાં અભ્યાસ અર્થે દાખલ કરાવી. ભીમસિંહ રાઠવા જણાવે છે કે સોનલ

હવે ચોથા ધોરણમાં છે અને તેની પ્રગતિથી તેમને ખૂબ સંતોષ છે. હવે તે યોગ્ય શિક્ષણ

મેળવી શકશે અને ભણીને પગભર થઈ શકશે તેવો અમને વિશ્વાસ થયો છે.  

શાળાના આચાર્ય હિરેનભાઈ ગોહિલ જણાવે છે કે સામાન્ય શાળાઓમાં કથન અને શ્રવણ

પધ્ધતિથી વિષયો શીખવવામાં આવે છે, જેથી

સાંભળી-બોલી ન શકતા બાળકો શીખવામાં સંઘર્ષ કરે છે. જ્યારે આ બાળકો માટેની ગાંધી

બહેરા-મૂંગા વિદ્યાલય જેવી શાળાઓમાં સાઈન લેન્ગવેજ અને વિઝ્યુલ્સનો વધુને વધુ

ઉપયોગ કરીને આગવી પધ્ધતિથી બાળકોને વિવિધ વિષયો શીખવવામાં આવે છે. આ ઉપરાંત અહીં

બાળકોમાં ક્રાફ્ટ મેકિંગ જેવા વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવા પર પણ ભાર મૂકવામાં આવે

છે.

ગાંધી બહેરા-મૂંગા વિદ્યાલય સરકારના સમાજ સુરક્ષા વિભાગની ૧૦૦ ટકા ગ્રાન્ટથી

ચાલતી ધોરણ-૧ થી ૮ સુધીની શાળા છે અને અહીં ભણતા બાળકનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.

દિવ્યાંગ બાળકોને પણ શિક્ષણનો સમાન હક અને તે રીતે જીવનમાં આગળ વધવાની સમાન તકો

મળી રહે તે તરફ કટિબદ્ધ સરકારની આ સંવેદનશીલ પહેલ છે.

Similar News