સુરતની ''રબર ગર્લ'' અન્વી ઝાંઝરૂકિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એનાયત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ દીકરીને ‘બ્લોક ચેઈન ટેકનોલોજી’ દ્વારા એવોર્ડ તથા રૂપિયા 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી.

Update: 2022-01-24 13:19 GMT

પોતાની શારીરિક અક્ષમતા છતાં સખત અને સતત મહેનત તેમજ કોઠાસૂઝથી યોગાસનમાં મહારથ મેળવી 'ધ રબર ગર્લ'નું બિરૂદ પ્રાપ્ત કરનાર એવી સુરતની દિકરી અન્વી ઝાંઝરૂકિયાને તા. ર૪ જાન્યુઆરી સોમવારે 'રાષ્ટ્રીય બાલિકા દિન' અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીયબાલ પુરસ્કાર-ર૦રર એનાયત કર્યો હતો.

કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રાલયને દેશભરમાંથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે ૬૦૦ બાળકો તરફથી અરજીઓ મળી હતી. જેમાં વર્ષ-૨૦૨૨ માટે ૨૯ બાળકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાં ગુજરાતની એકમાત્ર અને સુરતની દીકરી અન્વીએ આ એવોર્ડ મેળવીને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આ દીકરીને 'બ્લોક ચેઈન ટેકનોલોજી' દ્વારા એવોર્ડ તથા રૂપિયા 1 લાખની ધનરાશિ એનાયત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 5થી 18 વર્ષની વયના બાળકોને ખેલ, સમાજ સેવા, શિક્ષણ, કલા સંસ્કૃતિ, વિરતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત બાળકોને આપવામાં આવે છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતની આ દિવ્યાંગ દિકરીને રાષ્ટ્રીય બાલ પુરસ્કારનું સન્માન મેળવવા માટે અભિનંદન પાઠવ્યા હતા. સુરત અને ગુજરાતનું ગૌરવ વધારનારી આ દિકરીને આગામી પ્રજાસત્તાક દિવસ 26મી જાન્યુઆરી 2022એ ગીર સોમનાથ જિલ્લામાં યોજાનારા રાજ્યકક્ષાના સમારોહમાં સન્માનિત કરવામાં આવશે. જોકે, પ્રધાનમંત્રીએ બ્લોક ચેઇન ટેક્નોલોજી મારફતે સંબોધન કરતાં આ એવોર્ડ અને પુરસ્કાર રાશિ અર્પણ કર્યા તે અવસરે સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અન્વીના માતા-પિતા, સુરતના મેયર હેમાલી બોઘાવાલા તેમજ જિલ્લા વહિવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News