સુરત : કોરોનાના વધતાં કેસોથી લોકોમાં રોષ, રાજકારણીઓ સામે કાઢી ભડાશ

Update: 2021-03-28 12:07 GMT

કોરોનાના કપરા સમયમાં ચુંટણી યોજવાના સરકારના નિર્ણયની અસર હવે જોવા મળી રહી છે. રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે સુરતમાં લોકોએ વિવિધ વિસ્તારોમાં બેનર્સ મારી રાજકારણીઓ સામે ભડાશ ઠાલવી છે.

સુરતમાં લોકો વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણના અંકુશમાં લાવવા માટે જે નિર્ણય લઇ રહ્યા છે તેને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણી  સમયે હજારો લોકોને ભેગા કરવામાં આવતા હતા ત્યારે નેતાઓએ કોઈપણ પ્રકારની સાવચેતી રાખી ન હતી જેનાથી કોરોના વિસ્ફોટ થયો હોવાનું શહેરીજનો માની રહયાં છે. સુરતમાં વધી રહેલાં કોરોનાના કેસને ધ્યાનમાં લઇ રાત્રિ કર્ફ્યુ ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો જેને કારણે ખાણીપીણીના વ્યવસાય ઉપર સૌથી મોટી અસર થઈ છે. સોશિયલ ડિસ્ટન્સના નામે સિનેમાગૃહ અને જીમ બંધ કરાવવામાં આવ્યા છે. લોકોને રોજગારીના સ્ત્રોત ઉપર તંત્રે જે તરાપ મારી છે તેનો રોષ હવે બેનરો દ્વારા લોકો દર્શાવી રહ્યા છે. તો બીજી તરફ કોર્પોરેશનના અધિકારીઓના મતે લોકો માસ્ક અયોગ્ય રીતે પહેરતા નથી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હોવાને કારણે શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું છે. લોકો નેતાઓ સામે બોલી શકતાં નહિ હોવાથી હવે બેનર્સ દ્વારા પોતાનો રોષ પ્રદર્શિત કરી રહયાં છે.

Similar News