સુરત : લિંબાયતમાં ખરીદી માટે લોકો ઉમટી પડયાં, 20 લોકોની કરાઇ અટકાયત

Update: 2020-04-26 10:20 GMT

સુરતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 700ને પાર કરી ચુકી છે છતાં લોકોમાં હજી જાગૃતિનો અભાવ જોવા મળી રહયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જિદ પાસે ભરાતાં બજારમાં ખરીદી માટે ભીડ ઉમટી પડી હતી. જાહેરનામાનો ભંગ થતાં આખરે પોલીસે વાયરલ થયેલા વિડીયોના આધારે 20 વ્યકતિઓની અટકાયત કરી છે.

રાજયમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે પોલીસ લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવી રહી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા પોલીસ અને આરોગ્ય વિભાગની સાથે લોકોની પણ જવાબદારી છે. સરકારે ચારથી વધારે લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે તથા જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત પહેરવું તેવું જાહેરનામુ બહાર પાડયું છે.

મુસ્લિમ બિરાદરોના પાક રમઝાન માસનો પ્રારંભ થયો છે અને ઇફતારી માટે ખરીદી કરવી આવશ્યક છે. પણ હાલમાં કોરોનાની મહામારીને જોતાં ખરીદી માટે નીકળતી વેળા માસ્ક પહેરવું તથા એકબીજા વચ્ચે અંતર જાળવવું એકદમ જરૂરી છે. તમે જે વિડીયો જોઇ રહયાં છો તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મદીના મસ્જીદ પાસે ભરાતા બજારનો છે. વિડીયો જોઇને તમે જ નકકી કરી શકો છો કે આવા વર્તનથી કરોનાનું સંક્રમણ અટકશે કે પછી વધશે……

ભારત દેશ વિવિધતામાં એકતા ધરાવે છે અને દરેક સંપ્રદાયને તેમના તહેવારોને ઉજવવાની આઝાદી મળેલી છે પણ હાલનો માહોલ જોતાં સાવચેતી એ જ સલામતી છે. ખરીદી માટે ભીડ ન કરવી અને માસ્ક પહેરવું જરૂરી છે. તકેદારીના થોડા પગલાંથી આપણે પોતાને તથા અન્ય લોકોને કોરોના વાયરસથી બચાવી શકીશું. સુરતના લિંબાયતનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસ પણ એકશનમાં આવી હતી અને 20 જેટલા લોકોની અટકાયત કરી છે. રાજય સરકારે લોકોની સુવિધા અને સુખાકારી માટે બજારો ખોલવાનો નિર્ણય લીધો છે ત્યારે આ નિર્ણયને તકેદારીથી આવકારીએ તે આવશ્યક છે.

Similar News