સુરત : સોનાની વરખ ચઢાવી મીઠાઇ વિક્રેતાએ બનાવી “ગોલ્ડન ઘારી”, જાણો શું છે ઘારીની કિંમત..!

Update: 2020-10-30 13:51 GMT

“સુરતનું જમણ અને કાશીનું મરણ” આ કહેવત બહુ જૂની અને જાણીતી છે. સુરતને સોનાની મૂરત પણ કહેવામાં આવે છે. અહીં ખાણીપીણીની વસ્તુઓ દેશભરમાં વખણાય છે, ત્યારે ચંદી પડવા માટે ખાસ ખાવામાં આવતી ઘારીની ફક્ત ગુજરાત કે, ભારતમાં જ નહીં વિદેશોમાં પણ માંગ રહે છે. દર વર્ષે આવતા ચંદી પડવામાં સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી અને ભૂંસુ ઝાપટી જાય છે. ખાવાપીવામાં સુરતીઓએ ક્યારેય મોંઘવારી અને સમય જોયો નથી. જે વાતનો ઈતિહાસ પણ સાક્ષી છે, ત્યારે સુરતમાં આ વર્ષે ગોલ્ડન ઘારી તૈયાર કરવામાં આવી છે. સુરતના શહેરમાં મીઠાઈની દુકાન ધરાવતા મીઠાઈ વિક્રેતા દ્વારા ખાસ ચંદી પડવા નિમિત્તે ગોલ્ડન ઘારી બનાવવામાં આવી છે. આ ઘારીની બનાવટમાં પ્યોર ડ્રાયફ્રુટ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટેસ્ટમાં ખાંડનો ઉપયોગ થોડો ઓછો કરવામાં આવ્યો છે. પરંતુ આકર્ષણના ભાગરૂપે તેમણે ઘારી પર પ્યોર સોનાની વરખ ચઢાવી છે. સોનામાં આમ પણ ઘણા ગુણો રહેલા છે અને ખાવામાં પણ તેનો ઉપયોગ ફાયદેમંદ મનાય છે. એવું મીઠાઈ વિક્રેતાઓનું કહેવું છે.

સુરતીલાલાઓ કોઈ તહેવારની ઉજવણી કરવાનું કપરા સમયમાં પણ છોડતા નથી, ત્યારે કોરોના મહામારી વચ્ચે ચંદી પડવાનો તહેવાર આવી રહ્યો છે. પરંતુ સુરતીઓ સુરતની પ્રયાખ્ય્ત ધારી આરોગવાનું ભૂલશે નહી. જોકે આ વર્ષે મીઠાઇની દુકાનમાં ગોલ્ડન ઘારીએ લોકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે. 1 કિલો ઘારીનો ભાવ 9000 રૂપિયા રાખવામાં આવ્યો છે. સ્વાભાવિક છે કે, કોરોનાના કાળમાં આટલા ઊંચા ભાવથી ઘારી ખાવી સામાન્ય લોકોને પોષાય તેમ નથી. પરંતુ સુરતના ડાયમંડ-ટેક્સટાઈલ ઉદ્યોગ અને મોટા ઉદ્યોગપતિઓ દ્વારા આ ગોલ્ડન ઘારીની ઈન્કવાયરી આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે સાથો સાથ સાદી ઘારીની પણ ખરીદી  સુરતીઓ પુરજોશમાં કરી રહ્યા છે.

Tags:    

Similar News